- કોર્પોરેશનના સ્થાપના દિન નિમિતે યોજાયેલી
- સંગીત પ્રેમીઓ સ્ટેજ સુધી ધસી આવતા પોલીસ અને યુવાન વચ્ચે રકઝક: વધુ મેદની ઉમટી પડતા વીઆઇપી એન્ટી બંધ કરી દેવાયો: ખુદ જિલ્લા કલેકટર પ્રભવ જોશી ભીડમાં અટવાયા
- અમાલ મલિક અને નિકિતા ગાંધીએ એકથી એક ચડિયાતા ગીતો ગાઇ રાજકોટની જનતાને મોજ કરાવી દીધી
રાજકોટ મહાનગર પાલિકાની પ1મી વર્ષ ગાંઠ નીમીતે યોજવામાં આવેલી બોલીવુડ મ્યુઝિક નાઇટ સુપર હીટ રહી હતી. ખ્યાતનામ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધીએ રાજકોટની સંગીત પ્રેમી જનતાને એક પછી એક ચડિયાતા ગીતો ગાય મોજ કરાવી દીધી હતી. જો કે વ્યવસ્થા સુપર ફલોપ રહેવાના કારણે લોકોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી. અપેક્ષા કરતા વધુ ભીડ ઉમટી પડતા વીઆઇપી એન્ટ્રી બંધ કરી દેવાની ફરજ પડી હતી. અમાલને મળવા માટે લોકો સ્ટેજ સુધી ધસી આવ્યા હતા. બંદોબસ્ત માટે હાજર રહેલી વિજીલન્સ પોલીસ અને યુવાન વચ્ચે ઝપાઝપી થઇ હતી. ખુદ જિલ્લા કલેકટર અને ઇન્ચાર્જ મ્યુનિ. કમિશ્નર પ્રભવ જોશી ભીડમાં અટવાય ગયા હતા. પ્રેક્ષકોને શાંતિ રાખી બેસી જવા માટે ગાયક કલાકારોએ સ્ટેજ પરથી અપીલ કરવાની ફરજ પડી હતી. નામી કલાકારોને કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયા ખર્ચી બોલાવવામાં આવે છે. પરંતુ શહેરીજનો કાર્યક્રમ મનભરીને માણી શકે તેવી સધન વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી.
કોર્પોરેશન દ્વારા પ1માં સ્થાપના દિન નિમિતે બોલીવુડના ખ્યાતનામ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધીની બોલીવુડ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા. 8.30 કલાકે શરુ થનારી મ્યુઝિકલ નાઇટ 9.45 કલાકે શરુ થતા સંગીત પ્રેમીઓ અકડાળ ઉઠયા હતા. કાર્યક્રમ શરુ થયા બાદ યુવા ધન હિલોલે ચડયું હતું. કેટલાક લોકો અમાલ મલિકને મળવા માટે સ્ટેજ સુધી ધસી આવ્યા હતા. તેઓને બંદોબસ્ત માટે હાજર વિજીલન્સ પોલીસે રોકયા હતા. જેના કારણે એક યુવાન અને વિજીલન્સ પોલીસ વચ્ચે માથાકુટ થવા પામી હતી.
અપેક્ષા કરતા વધુ મેદની ઉમટી પડતા વીઆઇપી એન્ટ્રી પર ફાયર બ્રિગેડનું વાહન આડુ રાખીને પ્રવેશ આપવાનું અટકાવી દેવામાં આવ્યું હતું. ખુદ જિલ્લા કલેકટર અને ઇન્ચાર્જ મ્યુનિ. કમિશ્નર પ્રભવ જોશી ભીડમાં અટવાય ગયા હતા. સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ પણ ભીડને કાબુમાં લેવા તથા વ્યવસ્થા સંભાળવા માટે મેદાનમાં ઉતરવું પડયું હતું. સિંગર અમાલ મલિકે સ્ટેજ પરથી સંગીત પ્રેમીઓને શાંતિ રાખવા અને પોતાના સ્થાન પર બેસી જવાની અપીલ કરવી પડી હતી.
અમાલ મલિક અને નિકિતા ગાંધીએ એકથી એક સર્વશ્રેષ્ઠ ગીતો ગાઇ રાજકોટની જનતાને મોજ કરાવી દીધી હતી. સ્થાપના દિનના અવસરે વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર 9 મહાનુભાવોને મેયર એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
- અતુલ રાજાણીએ મ્યુઝિકલ નાઇટના ખર્ચની વિગતો માંગી
- કોર્પોરેશનના સ્થાપના દિને યોજાયેલી બોલીવુડ મ્યુઝિકલ નાઇટના
- તમામ ખર્ચની વિગત આપવાની માંગણી શહેર
- કોંગ્રેસ સમીતીના પ્રમુખ અતુલભાઇ રાજાણીએ કરી છે.
બોલીવુડ મ્યુઝિકલ નાઇટનો કાર્યક્રમમાં મંડપ, લાઇટીંગ, ડેકોરેશન, સ્ટેજ, રોશની, કલાકારોને અપાયેલ ફી, કલાકારોની સરભરાનો થયેલ ખર્ચ અને કાર્યક્રમના તમામ બિલ અને વાઉચર ના નકલોની કોપી આપવાની માંગણી કરી છે.