હિંમતનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબર ડેરીના રૂ. 210 કરોડના ખર્ચે 800 મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આ કેટલ ફીડ પ્લાન્ટનો પ્રારંભ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહારનો પુરવઠો વધુ માત્રામાં મળશે. એટલુ જ નહી, ભુરા કાકાએ 60 વર્ષ પહેલાં જે બીજ વાવ્યું હતુ એ આજે સાબર ડેરી તરીકે વટવૃક્ષ બન્યુ છે. 1976ની શરુઆતથી લઇને આજના પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ 2000 મેટ્રીક ટન સાબર દાણનું ઉત્પાદન શકય બન્યું છે.
આ પ્રસંગે શ્વેત ક્રાંતિની વાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી એ કહ્યું કે, શ્વેત કાંતિની શરૂઆત ત્રિભુવન કાકાએ કરી હતી. શ્વેત ક્રાંતિને કારણે ગુજરાત નહીં વિશ્વભરમાં એક સહકારિતા ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. દેશમાં થતા દૂધ ઉત્પાદનની વાત કરતા અમિત શાહે કહ્યું કે, વર્ષ 1970માં માથાદીઠ 40 ગ્રામ પ્રતિ વ્યક્તિ દુધ ઉપલબ્ધ થતું હતું, જ્યારે આજે 2023- 2024માં સમગ્ર દેશમાં માથાદીઠ 167 ગ્રામ દૈનિક દુધ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આમ, વૈશ્વિક સરેરાશ દુધ ઉત્પાદન 117 ગ્રામ છે, જેના કરતાં ભારતની સરેરાશ વધારે છે જે સહકારી માળખાના કારણે શક્ય બન્યું એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અમિત શાહે પ્રાકૃતિક ખેતી પર ભાર મુકી સમાજનું સ્વાસ્થ અને આવક વધારવા અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રાકૃતિક કૃષિની વાત કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી આવનારા દિવસોમાં ખેડૂતોની સમૃદ્ધિનું કારણ બનવાની છે. આ પ્રાકૃતિક ખેતી લોકોને કેન્સર, ડાયાબિટીસ અને બીપીથી મુક્ત બનાવશે.એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહિલા પશુપાલકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરતા કહ્યું કે, મહિલા પશુપાલકોએ જીવામૃત નાખીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી જોઈએ. પહેલા વર્ષે નફો થોડો ઓછો થશે પણ બીજા અને ત્રીજા વર્ષે સરભર થઈ જશે.
શ્રી ત્રિભોવન કાકાએ શરૂઆત કરી ત્યારે કલ્પના ન હતી કે અમૂલનું ટર્ન ઓવર 60 હજાર કરોડ પહોંચશે એમ પ્રાકૃતિક ખેતીનું બજાર 10 લાખ કરોડના વૈશ્વિક બજારને આંબશે. એટલું જ નહીં દુનિયાથી સૌથી મોટી ખાદ્ય પદાર્થની બ્રાન્ડ કોઇ હોય તો એ અમૂલ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ અવસરે સાબર ડેરીના ચેરમેન શામળ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે,અત્યાર સુધી સાબરડેરીના દાણ પ્લાન્ટમાં રોજ અંદાજે 1250 મેટ્રિક ટન સાબરદાણનું ઉત્પાદન થતું હતું. હવે રૂ. 210 કરોડના ખર્ચે 35,087 સ્ક્વેર મીટરમાં નવીન કેટલફીડ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં હવે રોજનું વધુ 800 મેટ્રિક ટન સાબરદાણનું ઉત્પાદન થશે.
આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સાબર ડેરીમાં દુધ ભરાવનાર વિવિધ મંડળીઓ અને પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને બનાસડેરી ચેરમેન શંકર ચોધરી, કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, રાજ્યકક્ષાના સહકાર, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ભીખુ સિંહ પરમાર સાંસદ શોભના બારૈયા, સાંસદ રમીલા બારા, રાજ્યસભા સાંસદ મયંક નાયક તેમજ મેનેજિંગ ડિરેક્ટર સુભાષચંદ્ર પટેલ, વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ અને સાબર ડેરીના બોર્ડ ઓફ મેમ્બર્સ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.