- વર્ષ-2023માં 2767 લોકોના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હોવાના અહેવાલ બાદ હવે તમામ સ્થળે હેલ્મેટ ફરજિયાત
રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે આજથી હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવી છે. યુનિવર્સિટી ખાતે દ્વિ-ચક્રીય વાહનો લઇને આવતા તમામે હેલ્મેટ પહેરીને આવવું પડશે. રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા આ અંગે પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
યુનિવર્સિટીમાં ટુ-વ્હીલરો માટે હેલ્મેટ ફરજિયાતના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં અંદાજીત 16.4 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓ અવર-જવર માટે મોટાભાગે દ્વિ-ચક્રી વાહનોનો ઉપયોગ કરે છે.
રાજ્યમાં વર્ષ 2023 દરમિયાન માર્ગ પર અકસ્માત થવાના કારણે કુલ 7,854 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં 2,767 (35%) લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા. આ ઉપરાંત કુલ જીવ ગુમાવનારમાંથી 2,082 (26.50%) વ્યક્તિ 26 વર્ષની નીચેની વયના છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ વયજુથમાં મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ હોય છે.
માર્ગ સુરક્ષા આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે. હેલ્મેટ પહેરવુએ એક સરળ પરંતુ અત્યંત અસરકારક પગલુ છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ઘાતક ઇજાના જોખમને ઘટાડી શકાય છે. જે ગંભીર ઇજાઓને રોકી શકવામાં મદદરૂપ થાય છે અને જીવ બચાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 129 મુજબ દ્વિ-ચક્રીય વાહન ચાલક તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.
તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો રીટ પીટીશન દાખલ કરેલ છે. જે અંતર્ગત નામદાર હાઇકોર્ટ દ્વારા દ્વિ-ચક્રી વાહન ચલાવનાર તેમજ તેની પાછળ બેસનાર વ્યક્તિએ ફરજીયાતપણે હેલ્મેટ પહેરવા અંગેની અમલવારી કરવા જણાવેલ છે. આ ઉપરાંત રાજ્યની તમામ સરકારી કચેરીઓના પરિસરમાં દ્વિ-ચક્રી વાહનનો ઉપયોગ કરતા અધિકારીઓ-કર્મચારીઓ અને સ્ટાફ માટે હેલ્મેટ પહેરવા અંગે જરૂરી સૂચના ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ છે.
રાજ્યની તમામ યુનિવર્સિટીઓ (ખાનગી/સરકારી) પણ પોતાના તમામ અધિકારી-કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરે તેવો પરિપત્ર રાજ્ય સરકારના મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.