- સતત ફૂંકાઇ રહેલાં ઉત્તર કે ઉત્તર-પૂર્વના ઠંડા પવનના કારણે સૌરાષ્ટ્રમાં દિવસ-રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો: હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા સાથે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
સતત ફૂંકાઇ રહેલાં ઉત્તર કે ઉત્તર-પૂર્વના ઠંડા પવનના કારણે સૌરાષ્ટ્રમાં દિવસ-રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. એક રાતમાં ઠંડી 3 ડિગ્રી સુધી વધવાની સાથે ગરમી એક ડિગ્રી સુધી ઘટી હતી. જેને લઇ સવારે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જ્યારે બપોર પછી માત્ર સાડા 3 કલાકના ટૂંકાગાળામાં 6 ડિગ્રી સુધી તાપમાન ઘટ્યું હતું. જેને લઇ સૂર્યાસ્ત બાદ વાતાવરણ ઝડપથી ઠંડુ બન્યું હતું. આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 16.4 ડિગ્રીએ પહોંચ્યું છે. પહાડી વિસ્તારો તરફથી આવતાં આ ઠંડા પવનનો ઉત્તર ગુજરાતમાં નીચા સ્તરે પસાર થઇ રહ્યા છે. જેના કારણે મંગળવારે રાત્રીના તાપમાનમાં એક થી બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. વહેલી સવારે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 14.3 થી 17.3 ડિગ્રી નોંધાયો હતો. 14.3 ડિગ્રી સાથે હિંમતનગર શહેરનું તાપમાન સૌથી નીચું રહ્યું હતું. તાપમાનમાં આવેલા નોંધપાત્ર ઘટાડા અને ઠંડા પવનના કારણે સવારે 9 વાગ્યા સુધી વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. રાજ્યમાં આગામી દિવસોમાં પવનની દિશા બદલાશે અને ઠંડીનો અનુભવ થશે. આગામી બે દિવસ બાદ લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી જશે. જોકે લઘુતમ તાપમાન ઘટવાનું કારણ છે કે પવનની દિશા બદલાશે. જેના કારણે સુકા અને ઠંડા પવન ફૂંકાવાના કારણે લઘુતમ તાપમાન ઘટશે. હાલ રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ પવનની દિશા બદલાતા લઘુતમ તાપમાન ઘટશે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. ગુજરાતમાં ઠંડીનો માહોલ જામશે, આગામી બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. હાલની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં 12 શહેરોનું લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચ્યુ છે. ગાંધીનગરમાં સૌથી નીચું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. માહિતી પ્રમાણે, નલિયામાં 16.8 ડિગ્રી, કેશોદમાં 17.2 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી, અમરેલીમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો વળી, અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 18.5 ડિગ્રી સુધી પહોંચ્યો છે