ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના સ્વચ્છ ભારત મિશન (ગ્રા) પેયજળ અને સ્વચ્છતા વિભાગના સંયુક્ત સચિવ અને ગુજરાત રાજ્યના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના સ્પેશ્યલ કમિશનર દ્વારા ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક દર માસે બોલવવા સૂચન કરવામાં આવ્યુ છે. જે સંદર્ભે તા. 19 નવેમ્બરને વિશ્વ શૌચાલય દિવસે સવારે 10-30 કલાકે જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ ફેઝ- 2 ના સુચારૂ અમલીકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ વ્યક્તિગત શૌચાલય, સામૂહિક શૌચાલય, ઈ-વ્હીકલ, સેગ્રીગેશન શેડ, કોમ્યુનિટી કોમ્પોસ્ટ પીટ, વ્યકિતગત કમ્પોસ્ટ પીટ (મનરેગા), પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ, કોમ્યુનિટી શોકપીટ અને વ્યકિતગત શોક પીટ (મનરેગા)ની કામગીરી અને લક્ષ્યાંક અંગેની સમીક્ષા કરી હતી. આ સિવાય સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત કમ્પોનન્ટવાર નિર્માણ કરવામાં આવેલા ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ અસ્કયામતોની વિગત કલેકટરએ તપાસી હતી.
ગોબરધન અંતર્ગત બનેલા બાયોગેસ પ્લાન્ટની માહિતી પણ કલેકટરએ ચકાસી હતી. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત અતુલ ફાઉન્ડેશન સાથેના એમઓયુ અંગે પણ જિલ્લા કલેકટરએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરીયા સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત જિલ્લા કક્ષાએથી તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આપવામાં આવેલી તાલીમની માહિતી ચકાસી હતી. ડીઆરડીએના નિયામક કલસરીયાએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ અંતર્ગત કમ્પોનન્ટવાર નિર્માણ કરવામાં આવેલા ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ સીએસસી, એસડબલ્યુએમ અને એલડબલ્યુએમની સામૂહિક અસ્ક્યામતોની જાળવણી અને નિભાવણી 15માં નાણાપંચ, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન, સ્વચ્છ ગામ- સ્વસ્થ ગામ અને ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી કરવામાં આવે છે. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ- વલસાડ દ્વારા નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના ઘર કનેકશનની વિગત, ગ્રામ પંચાયત દ્વારા નિમણૂક આપેલા ઓપરેટર, નલ સે જલ મિત્રની વિગત કલેકટરએ તપાસી જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. મંજૂર થયેલા શૌચાલયના પ્રમાણપત્રોનું જિલ્લા કલેકટરના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.