ભરૂચ વિધાનસભા મતવિસ્તારના 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ લોકો માટે આયુષ્માન વય વંદના કેમ્પનું આયોજન કરાયું. વયવંદના કેમ્પ સાથે મેડીકલ કેમ્પનું પણ આયોજન કરતા નાગરિકોએ નિશૂલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત “ આયુષ્માન વય વંદના કાર્ડ “ કે જે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃધ્ધ લાભાર્થીઓ માટે છે. જેમાં આવક મર્યાદાના બાધ વગર તમામ લાભો મળવાપાત્ર છે. “ આયુષ્માન વય વંદના કાર્ડ “ માત્ર આધાર કાર્ડ ધ્વારા આશાનીથી બનાવી શકાય છે.
જેને અનુસંધાને ભરૂચ શહેરના સર્કીટ હાઉસ ખાતે ભરૂચ વિધાનસભા મતવિસ્તાર માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના મુખ્ય આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્નારા આયુષ્માન વય વંદના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ કેમ્પમાં 70 વર્ષથી વઘારે ઉંમર ધરાવતા નાગરિકોએ ભાગ લીધો હતો. શારિરિક રીતે અશક્ત લોકો માટે પણ સવિશેષ સુવિધા આપી તેમનો આ કેમ્પનો લાભ આપવામાં આવ્યો હતો. જ્યારે પથારીવશ, અશક્ત અને બીમારવ્યક્તિઓ માટે ઘર બેઠાં આરોગ્ય વિભાગ સેવા આનાર છે. આ સાથે આયુષ્યમાન વય વંદના કેમ્પમાં મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવતા તેનો પણ લોકોએ લાભ લીઘો હતો. આ તબક્કે પેટા આરોગ્ય કેન્દ્ર (આયુષ્માન આરોગ્ય મંદિર), પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ આયુષ્માન ભારત એપ ધ્વારા વેબ પોર્ટલ પરથી કોઈ પણ વ્યક્તિ આ કાર્ડ બનાવી શકે છે.