જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા ની ટુકડીએ ગઈકાલે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને લાલ બંગલા થી લઈને સાત રસ્તા સર્કલ સુધીના માર્ગે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી માર્ગ પર પડતર પડી રહેલી રેકડી, કેબીનો, કબજે કરવામાં આવી હતી. ત્યારબાદ એસટી ડેપો રોડથી પવનચક્કી રોડ પરના દબાણ દૂર કરાયા હતા. જેમાં ખાસ કરીને ઓસવાળ હોસ્પિટલ પાસે જાહેરમાં ચાના કાઉન્ટ ઉભા કરી દેવાયા હતા, જે કાઉન્ટ કબજે કરી લઇ દબાણ દૂર કરાયા હતા.
ત્યારબાદ સાધના કોલોની રોડ અને છેક લાલપુર બાયપાસ ચોકડી સુધીના માર્ગે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી, અને સમગ્ર દિવસ દરમિયાન 18 જેટલી રેકડી- કેબીનો તથા ચા ના કાઉન્ટર વગેરે કબજે કરી લેવામાં આવ્યા હતા.
કેટલાક ચાના કાઉન્ટરો સહિતના દબાણો દૂર કરવા માટેની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને આજે એસ.ટી. ડેપો રોડથી સાધના કોલોનીના માર્ગે ફરીથી એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને જાહેર માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી એસ્ટેટ ઓફિસર નીતિન દીક્ષિત, દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી, અનવર ગઝણ, યુવરાજસિંહ ઝાલા, સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટર: સાગર સંઘાણી