- મંદિરોમાં ચોરી-લુંટના 34 ગુનાઓને અંજામ આપનાર ગેંગના સાગરીતોને પુર્વ કચ્છ પોલીસે ઝડપ્યા
- રાજસ્થાનની “ગરાસીયા ગેંગ”ના સાગરીતોને પોલીસે દબોચ્યા
- 6 આરોપીઓની ધરપકડ કરાઈ
Gandhidham : ગુજરાત રાજયના અલગ-અલગ જિલ્લાઓના મંદિરોમાં ચોરી અને લુંટના 34 ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજ્યની ગરાસીયા ગેંગના સાગરીતોને પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ઝડપી પાડયા છે. આ બાબતે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતુ કે, ચિત્રોડ તેમજ જેઠાસરી વાંઢમાં આવેલા કુલ 11 મંદિરોમાંથી કુલ 97,000ની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ કાનમેર ગામના અલગ-અલગ મંદિરોમાંથી 1,50,200ની ચોરી કરાઈ હતી. જેથી તાત્કાલિક સીટની રચના કરવામાં આવી હતી. જેમાં વિવિધ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ એનાલીસીસના આધારે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીઓ પાસેથી 3,64,734ના સોના ચાંદીના દાગીના તથા અન્ય મુદામાલ કબ્જે કરાયો હતો. ઉપરાંત આ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓને 25,000 પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી.
મળતી માહિતી મુજબ, ગુજરાત રાજયના અલગ-અલગ જિલ્લાઓના મંદિરોમાં ચોરી/ લુંટના 34 ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજ્યની ગરાસીયા ગેંગના સાગરીતોને પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ઝડપી પાડયા હતા. આ બાબતે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગત તા.૦6/૦7-11-2024ના રાત્રીના સમયે ચિત્રોડ તેમજ જેઠાસરી વાંઢમાં આવેલા કુલ 11 મંદિરોમાંથી કુલ 97,000ની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. જેથી તાત્કાલિક સીટની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ તા. 12-11-2024ના કાનમેર ગામના અલગ-અલગ મંદિરોમાંથી 1,50,200ની ચોરી કરાઈ હતી.
જેથી સીટના અધ્યક્ષની આગેવાનીમાં LCB, ગાગોદર પોલીસ, આડેસર પોલીસના અધિકારી/કર્મચારીઓ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ એનાલીસીસના આધારે આરોપી કમલેશ ગરાસીયા, રમેશ ગરાસીયા, જીતેન્દ્ર ગરાસીયા, સુરેશ શંકર ઉર્ફે ડાકુ ગરાસીયા, જયરામ ઉર્ફે જેનીયા ગરાસીયા, સુરેશ સોનીને રાજસ્થાનનાં જંગલોમાંથી પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે મેઘલારામ ઉર્ફે મેઘલા ઉર્ફે મેઘારામ મોતીરામ ગરાસીયા તથા રમેશ ગરાસીયાને પકડવાના બાકી હોવાનું જણાવ્યુ હતુ.
આરોપીઓ પાસેથી 3,64,734ના સોના ચાંદીના દાગીના તથા અન્ય મુદામાલ કબ્જે કરાયો હતો. આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે જણાવ્યું કે,આરોપીઓમાં અમુક સામે એકજ પ્રકારના અનેક ગુના પોલીસ દફ્તરે નોંધાયેલા છે, તેમાં મુખત્વે ચોરી અને લૂંટના ગુના સામેલ છે. આરોપીઓની મોડેસ ઓપરેન્ડી મુજબ તેઓ બનાવ સ્થળની ભૌગોલિક માહિતી પહેલેથી જ ધરાવતા હતા અને પથ્થર ઘડાઈના કામથી સંકળાયેલા હોતા, મંદિરોમાં પથ્થરની કોતરણીની કામગીરી કરતા, કામ પૂર્ણ કર્યા બાદ ત્યાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.
વધુમાં પોલીસ અધિક્ષક સાગર બાગમારે પૂર્વ કચ્છ પોલીસની કામગીરીની સરાહના કરી જિલ્લા દ્વારા આ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓને 25,000 પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. પોલીસ દ્વારા ગેંગને ઝડપી પાડવા બદલ કાનમેર ગ્રામ પંચાયત સરપંચ રામભાઈ ભાટ્ટી દ્વારા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક અને સમગ્ર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અહેવાલ : ભારતી મખીજાણી