- લોકાર્પણ સમારોહમાં અભેસિંહ રાઠોડે દેશ પ્રેમના ગીતો થકી મેઘાણી યુગ કર્યા સજીવન
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ધંધુકા ખાતે ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ અને તેના પરિસરનો રૂ. પાંચ કરોડના ખર્ચે સુયોગ્ય રીતે ભવ્ય સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. રેસ્ટ-હાઉસના ચાર ખંડમાં સિંધુડો – ધોલેરા સત્યાગ્રહ, ધંધુકા અદાલત અને સાબરમતી જેલના ગૌરવવંતા ઈતિહાસને નિરૂપતી કલાત્મક પ્રતિમાઓ અને દુર્લભ તસ્વીરોનું માહિતીસભર પ્રદર્શન તેમજ ગાંધી-દર્શન કોર્નર, મેઘાણી-સાહિત્ય કોર્નર ધરાવતાં સમૃધ્ધ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે. પરિસરમાં મેઘાણી સ્મૃતિ નામે નવીન સાંસ્કૃતિક ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ઝવેરચંદ મેઘાણી દ્વારા 1928માં રચિત અમર કાવ્ય ચારણ-કન્યા પર આધારિત ગુજરાતના સહુપ્રથમ થીમ-પાર્કનું નિર્માણ કરવામાં આવશે.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ગુજરાત સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્રનગર લોકસભા સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા, મેઘાણી-ગીતોના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના મેનેજિંગ ડીરેકટર અરૂણ મહેશ બાબુ, અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી. કે. , ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના મેનેજિંગ લિ.ના મેનેજીંગ ડીરેકટર એસ. છાકછુઆક, જીલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, ધંધુકા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઇ ચૌહાણ સહીતના ઉ5સ્થિત રહ્યા હતા.
મેઘાણી પ્રતિમાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમ જણાવ્યું હતું કે વિશ્ર્વભરમાં વસતા ગુજરાતીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન કવનમાંથી પ્રેરિત થાય છે.
લોકગાયક અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોનાં આસ્વાદ થકી ઉપસ્થિત સહુને ડોલાવી દીધા હતા.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત વિવિધ સ્મૃતિ-સ્થળોને વિકસાવવા બદલ પિનાકી મેઘાણીએ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી મુળુભાઈ બેરાનો હ્રદયથી આભાર માન્યો હતો. આ ઐતિહાસિક સ્મૃતિ-સ્થળોની
મુલાકાત લઈને વિશ્વભરમાં વસતાં ભાવિકો અને ખાસ કરીને નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્યની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થશે
આઝાદીની લડત વેળાએ 28 એપ્રિલ 1930ના રોજ ધંધુકા સ્થિત તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસ ખાતે ત્યારે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા હતા. પોતાનો બચાવ ન કરતા, ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમનાં 15 શૌર્યગીતોનાં પોતાનાં સંગ્રહ સિંધુડોમાંથી દર્દભર્યું કાવ્ય છેલ્લી પ્રાર્થના ગાયું ને ત્યારે ત્યાં ઉપસ્થિત હજારોની માનવમેદની અને મેજિસ્ટ્રેટ ઈસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. સમસ્ત ભારતમાં એક માત્ર આ અનન્ય અને ઐતિહાસિક પ્રસંગનો સ્વતંત્ર્ય-સંગ્રામમાં ખાસ્સો પ્રભાવ પડ્યો હતો.