- જનસેવા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ 1 દિવસમાં કરાઇ સીલ
- દારૂના કેસમાં સંડોવાયેલા સંચાલકે નકલી ડોક્ટરો સાથે મળી ખોલી હતી હોસ્પિટલ
- ઉદ્ઘાટન કાર્ડમાં બારોબાર પોલીસ અધિકારીનું નામ લખ્યું હતું
ગુજરાતભરમાં નકલીની બોલબાલા ચાલી રહી છે. ત્યારે સુરતમાં પણ નકલી પોલીસની સાથે પાલિકાના અધિકારીઓ બાદ હવે ઝોલા છાપ ડોક્ટરોનું કારસ્તાન સામે આવ્યું છે. આ બોગસ ડોક્ટરોને જાણ તંત્રનો કોઈ ડર કે ધાક ન રહ્યો હોય તે રીતે ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈને હોસ્પિટલ જ શરૂ કરી દીધી છે.
મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી
ઝોલા છાપ તબીબોએ પાડેસરમાં ભેગા મળી હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી. તેમજ જન સેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું. ત્યારે તેમાં 24 કલાક ઈમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું હતું. આ સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યું હતું. આ ઉપરાંત દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો છે.
તમામ સામે નોંધાયા છે કેસ
આ હોસ્પિટલ શરૂ કરનારમાં બે સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો ત્રીજો સામે દારૂની ફેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. તેમજ SOG દ્વારા બબલુ શુકલા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો. તેમજ પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દૂબે સામે ફરિયાદ નોંધી હતી. આ ઉપરાંત બોગસ ડો.જી.પી.મિશ્રા સામે વર્ષ 2022 માં દારૂની ફેરાફેરીનો કેસ નોંધાયો હતો.
ઓપરેશન થીએટર પણ હોસ્પિટલમાં
અનુસાર માહિતી મુજબ, ઉદ્ઘાટનની સાથે જ દર્દીઓ સારવાર માટે પણ આવી ગયા છે. તેમજ 24 કલાક ઇમર્જન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટરો દ્વારા બે માળમાં આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે, તેમાં ઓપરેશન થિયેટર પણ છે. આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી જ્યાં ડોક્ટરો ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય, તેમજ તેઓ ગણતરીના કલાકોમાં જામીન મેળવીને ફરીથી આવી પોતાની જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે.
સંચાલકનો બચાવ
સંચાલક ડોક્ટર સજ્જન કુમારે જણાવ્યું હતું કે, અમારી પાસે ગુજરાત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ છે અને અમે તે પ્રમાણે જ હોસ્પિટલની શરૂઆત કરી છે. આ ઉપરાંત બબલુ શુકલા, રાજારામ દુબે અને ડોક્ટર મીશ્રા MD ડોક્ટર્સની નજર હેઠળ અહીં RMO તરીકે ફરજ બજાવે છે અને ફક્ત અહીં કામ કરે છે. આ ઉપરાંત ઓર્થોપેડિક ડોક્ટર તરીકે પ્રત્યુષ ગોહિલ અને MD ડોક્ટર તરીકે સજ્જન કુમાર મીના છે અને તે ત્રણેય ડોક્ટરો ફક્ત અમારા નિમંત્રણ પર આવ્યા છે કહીને લુલો બચાવ કર્યો હતો અને પોતે જ આપેલા RMOના નિવેદન પરથી ફરી ગયા હતા.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય