નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો પ્રાકૃતિક ખોળે રહી પ્રકૃતિમય જીવનનો લ્હાવો લેતા હોય છે સાથે-સાથે પ્રાકૃતિક ખેતી સાથે પણ સંકળાયેલા હોય છે. આદિવાસી સમાજ મોટા ભાગે ખેતી પર આત્મનિર્ભર હોય છે. જેમાં મુખ્ય પાક જોઈએ તો કપાસ, ડાંગર, મકાઈ, જુવાર, દાદર, તુવેર, મગફળી, ચણા, સહિત વિવિધ પ્રકારની શાકભાજી કરતા હોય છે. નર્મદા જિલ્લાના કેટલાક ખેડૂતોમિત્રો પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા અને પ્રાકૃતિક ખેતી કરતા હોય છે. એવા જ એક ખેડૂતમિત્ર જે બેસણા ગામમાં રહે છે. અને પ્રાકૃતિક ખેતી કરે છે. દેડિયાપાડા તાલુકાના ખેડૂતમિત્ર રામજી વસાવાએ પ્રાકૃતિક ખેતી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને છે.
આ ખેડૂતે ખેતરમાં આંબાની વાડી કરેલ છે. જેમાં મકાઈ અને તુવેર જેવા પાકોનું વાવેતર કરે છે. દૈનિક રોજબરોજની આજીવિકાના ખર્ચા માટે ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં મરચા અને મેથીની ભાજીનું વેચાણ કરે છે. મેથીની ભાજી આરોગ્ય માટે ખુબ ઉત્તમ હોવાથી એનો પણ સારો એવો વેચાણ થાય છે. તદ્દ ઉપરાંત ગાદી કયારા પદ્ધતિનો ઉપયોગ કરીને ડુંગળીની ધરું વાડિયું તૈયાર કરેલું છે. જે ડુંગળીના વેચાણ કરતા ધરૂની કિંમત વધારે હોવાથી સારી એવી કમાણી કરે છે. આ ખેતી માત્ર શિયાળા પુરતી નહી પણ બારેમાસને ધ્યાને લઈને ખેતરમાં વિવિધ પ્રકારની શાકભાજી, કઠોળ અને ધાન્ય પાક કરે છે. સરકાર દ્વારા મિલેટ્સને પ્રાધાન્ય આપી સૌને મિલેટ્સની ખેતી કરવા માટે આહ્વાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ખેડૂતમિત્રએ પણ ખેતરમાં નાગલી, જુવારની ખેતી કરી અન્ય ખેડૂતોને મિલેટ્સની ખેતી કરવા માટે પ્રેરિત કર્યા છે.
રામજીભાઈએ જણાવ્યું હતું કે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા તાલીમ મેળવી પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કર્યુ છે. અને ખાસ કરીને ખેડૂતમિત્રોના ગૃપ થકી મને ઘણુ પ્રોત્સાહન મળે છે. જેમાં ખેતી કામમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરવા માટેની નવી પધ્ધતિઓ ઉપયોગ કરી ઓછા સમયમાં વધુ કમાણી થાય છે. ખેડૂત રામજીભાઈને ગુજરાત રાજ્ય બાગાયત વિભાગ દ્વારા ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકાની સહાય મળેલ છે.આ યોજના દ્વારા પાણીનો સંગ્રહ કરી પોતાના સમય અનુકુળતાએ ખેતરમાં સિંચાઈ કરે છે. અને સારું ઉત્પાદન મેળવી શકે છે. સમયનો બચાવ થતા પાણીના ટાંકા ખુબ આશીર્વાદરૂપ બન્યા છે. સરકારની આ સહાય મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.