ભારત પાસે મર્યાદિત માત્રામાં દવાઓ છે પરંતુ ગુણવત્તાને વધુ મહત્વ આપવામાં આવે છે: ડો.જી.એન.સિંહ
ભારતે દવાઓના કાચામાલ માટે ચીન પર નિર્ભર રહેવું પડતું હતું પરંતુ ગત વર્ષે ચીનથી મગાવાતી દવાઓના ઈન્ગ્રીડિયન્ટસમાં ૨૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. જે ભારત માટે સારી બાબત છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬માં ચીનની દવાઓની આયાતમાં વધારો થયો હતો ત્યારે ૨૦૧૭માં ૨૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. એમ છતાં ભારત દવાઓના કાચામાલ માટે ચીન પર ૬૬ ટકાની નિર્ભરતા ધરાવે છે. જયારે ડોકલામ વિવાદ વકર્યો હતો ત્યારે ચીને ફાર્માસેકચ્યુઅલ સુવિધા બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તો ભારત પણ આયાત ઘટાડવાની મથામણ કરી રહ્યું હતું.
વર્ષ ૨૦૧૭માં રૂ.૧૮ કરોડને બદલે રૂ.૧૨ કરોડનું જ આયાત ચીનથી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૩ વર્ષથી આયાતમાં ઘટાડો આવી રહ્યો છે. જેમાં એપીઆઈની ૧૨ મહત્વપૂર્ણ દવાની કંપનીઓ જેમ કે પેરાસિટામોલ, મેટર્ફોમીન, રેઈતીદીન, અમોકસીલીન, સેફિકસાઈન, એસેટાઈલ્સેલિસ્લીક એસિડ, એસ્કોબીક એસિડ, ઓફલોકસોસીન, ઈબુપ્રોફેન, મેટ્રોનીડેઝોલ અને એમ્પીસીલીન જેવી દવાઓનો સમાવેશ થાય છે. જેમાંથી ૮ દવાઓની ડબલ્યુ.એચ.ઓની દવાઓમાં સમાવેશ થાય છે.
એક મહિના પહેલા જ એપીઆઈ અંતર્ગત સરકારે ચીનથી મગાવાતી દવાઓની ૬ પેઢીઓમાંથી ઓછી ગુણવતાને કારણે આયાત બંધ કરાવી છે. દવા નિયંત્રણ અધિકારી જણાવે છે કે ભારત પાસે મર્યાદિત માત્રામાં દવાઓ છે. પરંતુ અમે આયાત મામલે તેની ગુણવતાની તકેદારી રાખી રહ્યા છીએ. ૬ પેઢીઓની આયાત બંધ કરવાનો લક્ષ્યાંક ચીની કંપનીઓ નહીં પરંતુ તેની ઓછી ગુણવતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત પણ એપીઆઈની ૫૦૦થી વધુ પ્રોડકટનું નિર્માણ કરે છે પરંતુ તેનો વધુ પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે માટે હવે ભારતને ચીન કરતા દરેક ક્ષેત્રે પ્રબળ બનાવવા સરકારે મિશન હાથ ધર્યું છે.