ગુજરાતના પરિવારોએ કોંગ્રેસને બુસ્ટર ડોઝ આપ્યો
કોંગ્રેસ હવે વધુ ઈમ્પ્રુવ થઈ રહી હોવાનો દાવો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે બુસ્ટર ડોઝ અને ભાજપને હરાવી શકાય છે તેવો આત્મવિશ્ર્વાસ આપ્યો છે તેવો આશાવાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે વ્યકત કર્યો છે.
અહેમદ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના હોમ સ્ટેટમાં મળેલી સફળતા કોંગ્રેસ માટે મોરલ વિકટરી છે. ભાજપ ૧૫૦ પ્લસની વાતો કરતો હતો પરંતુ માત્ર ૧૦૦ બેઠકો સુધી જ સીમીત રહી ગયો હતો. વડાપ્રધાન મોદીએ અનેક જાહેરસભાઓ સંબોધી હતી. પાકિસ્તાનનો મુદ્દો ચૂંટણીમાં ઉઠાવી ટ્રીક અજમાવી હતી. તેમણે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, પાકિસ્તાન મને મુખ્યમંત્રી બનાવવા માંગે છે.
પરંતુ મોદીના આ તમામ પેંતરા નિષ્ફળ ગયા હતા.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતની ચૂંટણીના કારણે કોંગ્રેસના કાર્યકરોના મોરલને બુસ્ટર ડોઝ મળ્યો છે. આ સ્થિતિ માત્ર ગુજરાતની નહીં પરંતુ સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. ગુજરાતના પરિણામોએ કાર્યકરોને માનતા કરી દીધા છે કે, ભાજપને પણ હરાવી શકાય છે. ગુજરાતના પરિણામો આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસને મદદરૂપ રહેશે તેવો દાવો પણ અહેમદ પટેલે કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, જે પ્રકારે ગુજરાતની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો તેમની મહેનતથી લોકોના ટોળે-ટોળા ઉમટી આવ્યા હતા. પરિણામે કોંગ્રેસને વધુ બેઠકો જીતવામાં સફળતા મળી હતી. કોંગ્રેસ હવે વધુ ઈમ્પ્રુવ થઈ રહી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી જેવા યુવા નેતાના કારણે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીતવામાં સફળતા મળશે. રાહુલ ગાંધી વરિષ્ઠ નેતાઓ અને યુવા નેતાઓને સાથે રાખીને કામ કરી રહ્યાં હોવાનું પણ તેમણે કહ્યું હતું.