- રૈયાની 200 એકર જમીનના કેસનો 22 વર્ષે સીવીલ કોર્ટે ચુકાદો આપ્યો. કાંતીલાલ પટેલ અને સિધ્ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભવ્ય વિજય
- 12 વર્ષથી આ મિલકતનું પઝેશન સિદ્વિ ઇન્ફ્રા.એ નામદાર હાઇકોર્ટને સોંપેલ: કોર્ટ
પાળ દરબાર હરીશચંદ્રસિંહજી જાડેજાએ સને 1993માં પોતાની માલીકીની સર્વે નં. 250 રૈયાની 199 એકર જમીન વડોદરા ખાતે રહેતાં કાંતીલાલ અંબાલાલ પટેલ (સાંઈ ડેવલપર્સ) સાથે એપ્રિલ-1993માં વેચાણ કરારો કરી આપેલ અને આ જમીન અંગે ચાલતાં યુ.એલ.સી./એ.એલ.સીના કેસો કાંતીલાલ પોતાના ખર્ચે પુરા કરે અને પાળ દરબાર શ્રી હરીશચંદ્રસિંહજી જાડેજાની જશવંતપુરા અને પાળ ખાતે આવેલી અન્ય 100 એકર જેટલી જમીનો પણ ક્લીયર કરાવી આપે તેવી શરતે કરારો સાથે રદ્ ન થઈ શકે કુલમુખત્યારનામાં પણ આપેલા, પરિણામે 1976થી ચાલી રહેલાં કોર્ટ કેસોમાં કાંતીલાલે પોતાના ખર્ચે કોર્ટ કાર્યવાહીઓ શરૂ કરેલી. સને 1994ની સાલમાં આ જમીનને એન્ક્રોચમેન્ટથી બચાવવા અન્ય એક કુલમુખત્યારપત્ર આપી જમીનનું પઝેશન પણ સુપ્રત કરેલું. આમ, સને 1994 થી આ જમીનમાં કાંતીલાલ પટેલનો કબજો હતો.
2000ની સાલમાં યુ.એલ.સી.નો કાયદો નાબુદ થયા બાદ રાજકોટની જમીનોની કિંમત વધી જવા પામેલી. પરિણામે પાળ દરબારે ભાવવધારાની માંગણી કરેલી અને તેમનાં પોતાનાં નીકટનાં વિશ્ર્વાસુ મિત્ર અને ખ્યાતનામ નેતા સનતભાઈ મહેતાની મદદ લીધેલી. જેમણે ભાવવધારા પેટે દર વર્ષે જમીનની કિંમત જેટલા પૈસા જ્યારે એ.એલ.સી.ના કેસ પુરા થાય અને જમીનનું ટાઈટલ ક્લીયર થાય ત્યારે દસ્તાવેજ થઈ શકે તે સમયે 1993 થી કાંતીલાલ પટેલે પાળ દરબારને ચુકવવા તેમ નક્કી કરાવી આપેલ અને 2000ની સાલમાં તે અંગે ત્રીજુ બાનાખત પણ બનાવી આપેલ. આ એગ્રીમેન્ટમાં નક્કી થયા મુજબ બંને
પક્ષોના કુટુંબીજનોની ભવિષ્યની સલામતીને ધ્યાને લઈ કાંતીલાલ પટેલે રાજકોટની સીવીલ કોર્ટમાં દાવો કરી ક્ધસેન્ટ ડી઼ક્રી મેળવેલ. જેમાં રાજકોટની સીવીલ કોર્ટે ઠરાવી આપેલ કે, થયેલાં કરારો મુજબ જમીનની કિંમતનાં બાકી રહેલાં પૈસા ચુકવાય ત્યારે જમીન માલીક જાડેજાએ કાંતીલાલ પટેલની તરફેણમાં દસ્તાવેજ કરી આપવો અને કાંતીલાલનાં કબજાને જમીન માલીક કે તેનાં વારસદારોએ કોઈ હેલો હરકત કરવી નહી.
બે વર્ષ બાદ 2002ની સાલમાં અગમ્ય કારણોસર હરીશચંદ્ર જાડેજાએ થયેલ ડીક્રીના હુકમને રદ કરવા દાવો કરેલ. પરંતુ આ દાવો કર્યા બાદ પણ કાંતીલાલ
પટેલ પાસેથી વર્ષો સુધી તેઓ કરી આપેલ કરારો મુજબનાં પૈસા મેળવતાં રહેલ. આમ, એક તરફ ડી઼ક્રીને રદ કરવા દાવો કરેલ અને બીજી તરફ ડીક્રીના અમલ કરવાના ભાગરૂપે તેઓ વર્ષો સુધી પૈસા પણ મેળવતાં રહેલ. 2006ની સાલમાં પાળ દરબાર હરીશચંદ્રસિંહજીનું અવસાન થયેલ, અને ત્યાર પછી તેમનાં વારસદારો દાવામાં પક્ષકાર તરીકે દાખલ થયાં હતાં. કાંતીલાલ પટેલે કરાવી લીધેલાં કરારો માંદગીનો ગેરલાભ લઈને કરાવ્યા હતાં તેવા આક્ષેપ પણ તેમનાં વારસદારોએ કર્યા હતાં. આ ઉપરાંત નશાની હાલતમાં પણ આ કરારો કરાવ્યાનાં આક્ષેપો ત્યારબાદ થયા હતાં.
જેને સીવીલ કોર્ટે આધારવિહોણા મનઘડંત આક્ષેપો હોવાનું ઠરાવ્યું છે. આ ઉપરાંત આ જમીનનું પઝેશન 1994 થી એટલે કે છેલ્લા 30 વર્ષથી કાંતીલાલ પટેલનું હોવાનું ઠરાવ્યું છે અને કાંતીલાલ પટેલ દ્વારા 2010 માં આ જમીનના કરારો સિધ્ધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપર્સને કરી આપવામાં આવ્યા.
ત્યારબાદ રાજકોટની સીવીલ કોર્ટ દ્વારા સને 2011માં પંચકયાસ થયો અને ના. હાઈકોર્ટ દ્વારા સને 2012માં પંચકયાસ થયો ત્યારથી આ જમીનનું પઝેશન સિધ્ધી ઈન્ફ્રા.નું હોવાનું રેકોર્ડ પુરાવાને ધ્યાને લઈ કોર્ટે ઠરાવ્યું છે.
સમગ્ર પુરાવાઓને ધ્યાને લઈ સીવીલ કોર્ટે 400 પાનાંનો ચુકાદો આપી કાંતીલાલ પટેલની તરફેણમાં 2000ની સાલમાં થયેલી ડી઼ક્રીને રાજકોટની 17માં એડી. સીનીયર સીવીલ જજ શ્રી મહમ્મદયુનુસ એ. પીપરાણી સાહેબે યથાર્થ ઠેરવી છે અને આ ડીક્રી રદ કરવા પાળ દરબાર સ્વ. શ્રી હરીશચંદ્રસિંહજી જાડેજા તેમજ તેમનાં અવસાન બાદ તેમનાં વારસદારોએ કરેલી રજુઆતો અને કેસને રાજકોટની સીવીલ કોર્ટે રદ જાહેર કર્યો છે.
પરિણામે કાંતીલાલ પટેલ અને સને2010માં તેમની પાસેથી જમીન ખરીદનાર સિધ્ધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપર્સનો ભવ્ય વિજય થયો છે, તેમ તેમનાં સીનીયર એડવોકેટશ્રી ઉદયન દેવમુરારી તેમજ શ્રી જતીનભાઇ ઠક્કરએ જણાવ્યું છે.