- સ્કૂલોમાં આજથી 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ
- ફરી રાબેતા મુજબ શિક્ષણકાર્ય કરાયું શરૂ
- કોલેજ અને યુનિવર્સિટીમાં 16 ડિસેમ્બરથી સત્રનો થશે પ્રારંભ
ઉનાળાની રજાઓ, શિયાળાની રજાઓ, અથવા તેની વચ્ચે ગમે ત્યારે – બાળકોની રજાઓએ બાળકો માટે અન્વેષણ કરવા, શીખવા અને જીવનભરની યાદો બનાવવાનો પ્રિય સમય છે. તેમજ દિનચર્યામાંથી વિરામ, સ્વપ્ન જોવાની તક અને નવા મિત્રો બનાવવાની તક છે. આ ઉપરાંત બાળકોને વેકેશન હોય ત્યારે આખા કુટુંબમાં ખુશીનો માહોલ જોવા મળે છે. તેમજ દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન આ બે વેકેશન એવા છે, કે જેમાં બાળકોને લાંબી રજા માળવા મળે છે,ત્યારે આજથી શાળાઓ ફરી શરૂ થઈ છે. દરેક રાજયમાં આજથી 54 હજાર શાળાઓ શરૂ થઈ છે,તો બીજી તરફ સત્ર શરૂ થતાં જ કોલેજોમાં પરીક્ષા યોજાશે. આ સાથે સાથે તમામ સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ થશે અને સ્કૂલોમાં બીજું શૈક્ષણિક સત્ર આજથી 4 મે સુધી ચાલશે.
21 દિવસનું હતુ વેકેશન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી તમામ મળીને અંદાજે 54 હજારથી વધુ શાળામાં આવતીકાલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ ઉપરાંત 18મી નવેમ્બરથી શરૂ થતું શૈક્ષણિક સત્ર આગામી 4 મે સુધી ચાલશે. આ ઉપરાંત 5મી મે 2025થી 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે 28મી ઓક્ટોબરથી 17મી નવેમ્બર સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું હતું.
કોલેજો પણ થશે શરૂ
શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણકાર્ય અને પરીક્ષા, પ્રવેશમાં એકસૂત્રતા જળવાઇ રહે તે માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યુ હોવાથી તે પ્રમાણે આવતીકાલથી કોલેજો શરૂ થશે. પરંતુ નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે નહી. તા.18થી લઇને 14મી ડિસેમ્બર સુધીમાં કોલેજોએ આંતરિક પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે. ત્યારે આગામી 14મી ડિસેમ્બરે કોલેજોમાં પહેલું શૈક્ષણિક સત્ર પૂર્ણ થશે. તેના કારણે બીજુ શૈક્ષણિક સત્ર 16મી ડિસેમ્બરથી 28મી એપ્રિલ સુધી જાહેર કરાયું છે.
પ્રથમ દિવસે શાળામાં બાળકોને જવામાં આળસનો અહેસાસ
21 દિવસનું વેકેશન પૂર્ણ થયા બાદ આજે બાળકો જયારે શાળામાં જઈ રહ્યાં છે, ત્યારે વેકેશનના માહોલમાંથી બહાર આવતા બાળકોને પણ થોડો સમય લાગશે. ત્યારે બીજી તરફ બાળકો પણ શાળાએ જવા માટે આનાકાની કરી રહ્યાં છે,પરંતુ માતા-પિતા બાળકોને શાળામાં મૂકવા આવતા હોય છે,જેમ જેમ સમય જશે તેમ બાળકો પણ સમયની સાથે તાજા થઈ જશે અને ફરીથી ભણતરના એજ રંગમાં જોડાઈ જશે.
શિક્ષકોની ભરતી પ્રક્રિયા
આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે બીજુ શૈક્ષણિક સત્ર તા.18 નવેમ્બર-2024 થી તા.4 મે-2025 સુધી ચાલશે. આ ઉપરાંત બીજા સત્રમાં માસવાર ફળવાયેલા દિવસોની યાદીમાં નવેમ્બર માસમાં 12 દિવસ, ડિસેમ્બર-2024માં 25 દિવસ, જાન્યુઆરી-2025માં 26, ફેબ્રુઆરી-2025માં 23, માર્ચ-2025માં 24, એપ્રિલ-2025માં 22 અને મે-2025માં 3 દિવસ શિક્ષણકાર્ય થશે. તેમજ વર્ષ-2025-26ના પ્રથમ સત્રનો પ્રારંભ તા.9 જૂન-2025થી થશે. એ પહેલાના તા.18 નવેમ્બર-2024થી તા.8 જૂન-2025 સુધીના કુલ 203 દિવસમાં કુલ 135 દિવસ શિક્ષણકાર્ય થશે, 24 રવિવાર, 9 જાહેર રજા અને 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.