લોકોને પ્રામાણીક શાસન જોઈએ છે, મફતની સુવિધાઓ નહીં: વડાપ્રધાન મોદી
‘૭૦ લાખ યુવાનોએ ઈપીએફ ખાતા ખોલાવ્યા તે પરથી સાબીત થયું કે રોજગારી મળી જ છે’
આગામી કેન્દ્રીય બજેટ મધ્યમવર્ગીય પરિવારો અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને રજૂ કરાશે તેવી ચર્ચા વર્તુળોમાં થતી હતી. પરંતુ વડાપ્રધાન મોદીએ આ ચર્ચા ઉપર પૂર્ણ વિરામ મુકી દીધું છે. આગામી બજેટ લોકભોગ્ય રહેશે નહીં. આકરા ડોઝ સહન કરવા તૈયાર રહેવાના સંકેતો મોદીએ આપ્યા છે.
વડાપ્રધાન મોદીએ બ્રોડકાસ્ટ ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સરકાર સુધારાવાદી નીતિને અનુસરશે.
મોદીએ નોટબંધીના પગલાનો બચાવ કર્યો હતો. તેમણે નોટબંધીને ખૂબ મોટી સકસેસ સ્ટોરી તેમણે બેરોજગારીના આક્ષેપોનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, રોજગારી મામલે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે. સરકાર રોજગારીને અનુલક્ષીને જ પોલીસી ઘડી રહી છે.
તેમણે કહ્યું હતું કે, બજેટ નાણા પ્રધાનના અધિકાર ક્ષેત્રનો મામલો છે. હું તેમાં હસ્તક્ષેપ કરવા માંગતો નથી. સામાન્ય લોકો મફતમાં સુવિધાઓ નહીં પરંતુ પ્રામાણિક શાસન ઈચ્છે છે. મારી સરકાર સામાન્ય લોકોની જ‚રીયાત અને ઈચ્છાઓ પૂરી કરનારા નિર્ણયો લઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, સુધારાઓના કારણે જ ભારત નબળા પાંચ દેશોના સમૂહમાંથી નિકળીને ચમકતો સીતારો બની ગયું છે. છેલ્લા એક વર્ષમાં ૧૮ થી ૨૫ વર્ષના ૭૦ લાખ યુવાનોએ ઈપીએફ ખાતા ખોલાવ્યા છે. જેનાથી સાબીત થયું છે કે, લોકોને રોજગારી મળી છે.
તેમણે વિદેશ નીતિ બાબતે પણ બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હવે ભારતની વિદેશ નીતિ માત્ર પાકિસ્તાન આધારીત રહી નથી. અન્ય પરિપેક્ષને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યાં છે. વિશ્ર્વ સાથેના સંબંધો ધ્યાને લેવાઈ રહ્યાં છે. જે લોકો આતંકવાદીઓ સામે પગલા લેશે તેમને હું ખુલ્લુ આમંત્રણ આપીશ. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર વિશ્ર્વ આતંકવાદ સામે લડવા અને માણસાઈને બચાવવા એક થઈને લડી રહ્યું છે. આતંકવાદથી માનવતા ખતરામાં છે. માટે આતંકવાદનો ખાત્મો જરૂરી હોવાનું વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.