Surat News : સુરતના બમરોલી રોડ ઉપર આવેલ હોટલમાં પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી એક ઇસમ MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી 2.57 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરી આ મામલે ખટોદરા પોલીસ મથકમાં તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે DCP વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે સુરતના પાંડેસરા બમરોલી રોડ પર આવેલી ગેલેક્સી હોટલમાં એલસીબી ઝોન 4 ની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ હોટલની રૂમમાં એક વ્યકતી રોકાયેલો હતો અને તે લોકલ હોવાથી પોલીસને શંકા ગયી હતી અને તેને રૂમમાંથી બોલાવીને તપાસ કરતા તેની પાસેથી 25,700 રૂપિયાની કિમંતનું 2.57 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીનું નામ દાનિશ હારૂન કુરેશી છે. તે વરાછા લંબેહનુમાન રોડ ખાતે રહે છે.
આરોપીની વધુ પૂછપરછ થઇ શકી ના હતી. આરોપીને જોઇને લાગતું હતું કે તે નશાનો બંધાણી છે. જયારે તેને પકડ્યો ત્યારે તે સ્ટેટમેંટ આપી શકવાની સ્થિતિમાંના ન હતો. તેનું મેડીકલ ચેકઅપ કરાવવામાં આવશે અને ડોક્ટરના અભીપ્રાય બાદ તેની આગળની પૂછપરછ કરવામાં આવશે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે ભાઠેના પાસે રોડ પર ઉભો હતો જ્યાં તેને કોઈ વ્યક્તિ તેને આપીને જતો રહ્યો હતો.
આરોપી ઘરેથી મોપેડ અને મોબાઈલ સાથે લઈને નીકળ્યો હતો. પરંતુ તે ક્યાં ગયા છે તે પણ તેને ખબર નથી, તેણે કહ્યું કે તેણે નશો કરી લીધો હતો જે બાદ મોપેડ અને મોબાઈલ ક્યાં ગયા તેની ખબર નથી. જેથી આ મામલે યુવક ક્યાં ક્યાં ગયો અને તેની સાથે કોઈ હતું કે કેમ તે સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય