પેટ્રોલિયમ પ્રોડક્ટ-ક્રૂડની સાથે સોનાની વધેલી આયાતને કારણે વેપારખાધમાં વધારો જોવાયો હતો
ડિસેમ્બર મહિનામાં ભારતની નિકાસ ૧૨.૩૬ ટકા વધીને ૨૭.૦૩ અબજ ડોલર અને આયાત ૨૧.૧૨ ટકા વધીને ૪૧.૯૧ અબજ ડોલરની રહી હતી. આયાત અને નિકાસ વચ્ચેના ફરકને કારણે ડિસેમ્બર મહિનામાં વેપારખાધ ૪૧ ટકા વધીને ૧૪.૮૮ અબજ ડોલરના સ્તરે પહોંચી હતી.
એન્જિનિયરિંગ અને પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસ કામગીરીમાં થયેલી વૃદ્ધિને કારણે નિકાસમાં વધારો થયો હતો.
ડિસેમ્બર મહિનામાં સોનાની આયાત ૭૧.૫૨ ટકા વધીને ૩.૩૯ અબજ ડોલર હતી, જે આગલા વર્ષના સમાન ગાળામાં ૧.૯૭ અબજ ડોલરની હતી. પેટ્રોલિયમ પ્રોડક્ટ-ક્રૂડની સાથે સોનાની વધેલી આયાતને કારણે વેપારખાધમાં વધારો જોવાયો હતો.
વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, ઓગસ્ટ ૨૦૧૬થી ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન નિકાસ કામગીરીમાં સુધારો થયો છે જેમાં માત્ર અપવાદરૂપ ઓક્ટોબરમાં ૧.૧ ટકાનો ઘટાડો થયો હતો. ડિસેમ્બર મહિનામાં એન્જિનિયરિંગ ગૂડ્ઝની તેમજ પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસમાં આગલા વર્ષની સરખામણીએ ૨૫ ટકાની વૃદ્ધિ થઈ હતી. જોકે, રેડીમેડ ગાર્મેન્ટની નિકાસ ૮ ટકા ઘટીને ૧.૩૩ અબજ ડોલર રહી હતી.
આ ગાળામાં પેટ્રોલિયમ પ્રોડક્ટ અને ક્રૂડની આયાત નોંધપાત્ર ૩૫ ટકા વધીને ૧૦.૩૪ અબજ ડોલરની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ૭.૬૬ અબજ ડોલરની હતી. ગયા મહિનામાં ક્રૂડના ભાવમાં ૧૮.૭૫ ટકા વધારો થયો હતો.
એપ્રિલ-ડિસેમ્બર ગાળામાં નિકાસ ૧૨.૦૫ ટકા વધીને ૨૨૩.૫૧ અબજ ડોલરની રહી હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ૧૯૯.૪૭ અબજ ડોલર હતી. જ્યારે પ્રથમ નવ મહિનામાં આયાત ૩૩૮.૩૭ અબજ (૨૭૭.૮૯ અબજ) ડોલરની થઈ હતી, જે ૨૧.૭૬ ટકાનો વધારો સૂચવે છે. આ ગાળામાં વેપારખાધ ૧૧૪.૮૫ અબજ ડોલરની રહી હતી.