- આયુષ્યમાન યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 46 લાખથી વધુ દર્દીઓ,9 હજાર કરોડથી વધુની સહાય
- યુરોલોજીમાં સૌથી વધુ રૂપિયા 678 કરોડ, કાર્ડિયોલોજી પાછળ રૂપિયા 650 કરોડની સહાય ચૂકવાઈ
- ગુજરાતમાં 2.61 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારક
Gujarat : કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) યોજના હેઠળ ગુજરાતમાંથી 5 વર્ષમાં કૂલ 46.23 લાખ દર્દીઓએ સારવાર લીધી છે. તેમજ આ દર્દીઓની સારવાર પાછળ રૂપિયા 9 હજાર કરોડથી વધુ રકમની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત આયુષ્યમાન યોજના હેઠળ યુરોલોજીમાં સૌથી વધુ રૂપિયા 678 કરોડ, કાર્ડિયોલોજી પાછળ રૂપિયા 650 કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં 2.61 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારક
ગુજરાતમાં કૂલ 2.61 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો છે. તેમજ 1.38 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલાઓ પાસે આયુષ્યમાન કાર્ડ છે. આ ઉપરાંત અમદાવાદમાં સૌથી વધુ 24.01 લાખ, સુરતમાં 19.56 લાખ, રાજકોટમાં 15 લાખ, બનાસકાંઠામાં 12.26 લાખ, મહેસાણામાં 11.86 લાખ અને વડોદરામાં 10.23 લાખ આયુષ્યમાન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રાજ્યભરમાંથી 924 પ્રાઇવેટ અને 1752 પબ્લિક એમ કૂલ 2676 હોસ્પિટલ એમ્પેનલ્ડ છે. આયુષ્યમાન યોજના હેઠળ સૌથી વધુ હોસ્પિટલ જોડાયેલી હોય તેમાં બનાસકાંઠા 249 સાથે પ્રથમ, અમદાવાદ 213 સાથે બીજા, સુરત 163 સાથે ત્રીજા, રાજકોટ 142 સાથે ચોથા, મહેસાણા 121 સાથે પાંચમાં સ્થાને છે. આ ઉપરાંત ડાંગમાં સૌથી ઓછી 8, પોરબંદરમાં 20, નર્મદામાં 23 હોસ્પિટલ સંકળાયેલી છે.
યોજનાનો અમલ શરૂ કરાયા બાદ દર્દીઓને સૌથી વધુ દાખલ કરાયા હોય તેવા જિલ્લામાં અમદાવાદ 3.34 લાખ સાથે પ્રથમ, સુરત 2.21 લાખ સાથે બીજા, રાજકોટ 2.04 લાખ સાથે ત્રીજા, બનાસકાંઠા 1.50 લાખ સાથે ચોથા, વડોદરા 1.26 લાખ સાથે પાંચમા સ્થાને છે.
ખ્યાતિ હોસ્પિટલમાં 3 વર્ષમાં 847 દર્દીઓ
દર્દીઓના જીવ સાથે રમત કરનારી અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 2022થી 2024 એમ 3 વર્ષમાં 847 દર્દીઓએ આયુષ્યાન યોજના હેઠળ સારવાર લીધેલી છે. તેમાં 10થી વધુ દર્દીઓ પાસેથી રૂપિયા 1.35 લાખથી વધુનું બિલ વસૂલવામાં આવ્યું છે.