- 10 સેક્ધડ સુધી અનુભવાયેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 17 કિમિ સાઉથ – સાઉથ- વેસ્ટ તરફ નોંધાયું: કોઈ જાનહાની નહિ
પાટણ નજીક રાત્રીના સમયે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તેની અનુભૂતિ થઈ છે. મોરબી જિલ્લાના હળવદ તેમજ સુરેન્દ્રનગર પણ અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.રાજ્યના સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટમાંથી મળતી વિગતો અનુસાર આજે રાત્રીના 10:15 કલાકે પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેનું કેન્દ્રબિંદુ પાટણથી 17 કિમિ સાઉથ – સાઉથ- વેસ્ટ તરફ નોંધાયું છે. બનાસકાંઠાથી લઈ અમદાવાદ અને મોરબી સુધી આ ભૂકંપ અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અંબાજી, ડીસા, ખેરાલુ, પાલનપુર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, બહુચરાજી, સતલાસણા, હારીજ, સમી સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ધ્રુજારી અનુભવાઈ છે. હળવદના કોઈબા, ઢવાણા, માલણીયાદ અને આસપાસના વિસ્તારમાં પણ ભૂકંપ આવ્યો હતો. તો કચ્છના રાપર તાલુકાના નાના રણમાં પણ ભૂકંપના આચંકા અનુભવાયા હતા. જેમાં આડેસર, નાંદા સહિતના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર, ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.