- ગેરકાયદેસર બનાવેલા ઝીંગાના તળાવ દૂર કરીને બેદરકારી દાખવનાર સામે કરાઈ તપાસની માંગ
- અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કરાઈ માંગ
- NGTના આદેશનું પાલન કરવામાં બેદરકારી દાખવનાર સામે તપાસની માંગ
Surat News : સુરત જિલ્લા અને શહેરના વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઝીંગાના તળાવ દૂર કરાવવા અને નામદાર એન. જી. ટી.ના આદેશનું પાલન કરવામાં બેદરકારી દાખવાનાર અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી થાય તેવી માગ સુરત જિલ્લા સહકારી નેતા અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે સુરત જિલ્લા કલેકટરને કરી છે.
દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટેપાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવેલ છે. જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકોની આજીવિકા પર અસર થયેલ છે. સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂત આગેવાનો,જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સદરહુ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં સુરત જિલ્લાનું વહીવટી તંત્ર આજદિન સુધી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ ઝીંગાના તળાવો દૂર કરી શક્યું નથી.
આ બાબતે મે.નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા ઓલપાડ તાલુકામાં ગેરકાયદેસર અને બિનધિકૃત ઝીંગા તળાવો અન્વયે 16/2020 થી કેસ દાખલ કરવામાં આવેલ હતો. જે અન્વયે સરકારી જમીનો ઉપર દબાણ દ્વારા ઊભા કરવામાં આવેલ ઝીંગા તળાવો અન્વયે કલેકટર કચેરી દ્વારા સર્વે કરવામાં આવેલ હતો. આમ, મોટા ભાગના ગામોમાં સર્વે બાદ જિલ્લા કલેકટર સુરત દ્વારા એફિડેવિટ કરી કોર્ટને જણાવેલ છે કે સુરત જિલ્લામાં આવેલ મોટા ભાગના (80 ટકા) તળાવો ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન ઉપર દબાણ કરી બનાવેલ છે. જે દબાણો આજની તારીખે સ્થળે પર જેમ ના તેમ છે અને ગેરકાયદેસર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃતિ ચાલુ છે. મે. એન. જી. ટી. માં 16/2020થી કેસ દાખલ કરવામાં આવેલ હતો. જેના તા 12-1-2022ના રોજ નાં ચુકાદામાં મે.એનજીટીએ ગેર કાયદેસર તળાવો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપેલ હતો. તેમજ સુરત જિલ્લાના ચોર્યાસી અને મજૂરા તાલુકાના ગેરકાયદેસર તળાવો બાબતે કેસ નંબર ઓએ 57/2020 મે. એનજીટી પૂણેમાં દાખલ કરેલ હતો. જેમાં ચુકાદો તા 7-11-2022 ના રોજ આવેલ હતો. મે.એન.જી.ટી.ના ચુકાદો હોવા છતાં પણ આજની તારીખે પણ તમામ સરકારી જમીન ઉપર ઝીંગા ઉછેર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃતિ ચાલુ છે.
મે.એન.જી.ટી.માં ચાલતા કેસ અન્વયે થયેલ માપણીની જિલ્લા જમીન દફતર વિભાગમાંથી આરટીઆઈ હેઠળ માંગેલ માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કૂલ 1343.9 હેક્ટર (1,34,39,000 ચોરસ મીટર) અને સુરત શહેરના ચોર્યાસી- મજુરા તાલુકામાં ગેરકાયદેસર રીતે સરકારી જમીનો પર ચાલતા તળાવોની કૂલ સંખ્યા 5,641 અને કૂલ વિસ્તાર 4,039 હેક્ટર છે. સુરત જિલ્લામાં ચોર્યાસી-મજુરા તાલુકામાં એક પણ તળાવ કાયદેસર રીતે મહેસૂલી હુકમથી ફાળવવામાં આવેલ નથી. તેમ છતાં આજે પણ સદરહુ સરકારી જમીનના વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા ઉછેર થઈ રહેલ છે.
સુરત જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ભૂતકાળમાં અને હાલમાં તદ્દન ખોટી રીતે સીઆરઝેડ વિસ્તારના ભારત સરકારના માન્ય નક્શાઓમાં બતાવેલ વિસ્તારોમાં ઝીંગા તળાવો માટે જમીનો ફાળવેલ છે. આવી ખોટી રીતે ફાળવેલ જમીનો પર બનેલ ઝીંગા તળાવોને આજની તારીખે રાજ્ય સરકારનું મહેસૂલ વિભાગ ગેરકાયદેસર ગણતું જ નથી.વળી જે અનેક મંજૂરી આપેલ તળાવો એવા છે કે તેમના દ્વારા કેન્દ્ર સરકારના કોસ્ટલ એકવાકલ્ચર ઓથોરીટીનું લાઈસન્સ લેવામાં આવેલ નથી અને અનેક ફાળવેલ તળાવોની મુદ્દત પૂર્ણ થઈ ગયેલ છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય