- ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ રાજ્યની તમામ હોસ્પીટલોએ 12 માર્ચ 2025 સુધીમાં નોંધણી કરાવવાની રહેશે: ડેન્ટિસ્ટ હોય કે આયુર્વેદિક ડોક્ટર હોય કે પછી હોમીયોપેથિકના ડોક્ટર હોય તમામે આ પ્રક્રિયા કરવી પડશે
- અંતે સ્વાસ્થ્યને લઇ સરકાર જાગી
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ દર્દીઓને લઇને અનેક સુવિધાઓ બહાર પાડવામાં આવી છે. છેલ્લા દશકામાં અનેક દર્દીઓ કે જેઓ ઉચ્ચત્તમ સારવાર લઇ શકે તેમ નથી. તે માટે સરકારે વિવિધ યોજનાઓ બહાર પાડી છે. જો કે, ઘણી ખરી હોસ્પિટલો દ્વારા આ યોજનાનો ગેરઉપયોગ થતો હોય તેને લઇને હવે અંતે સરકાર જાગી છે અને હોસ્પિટલો દ્વારા સરકારી યોજનામાં થતી ગેરરિતી રોકવા માટે ટૂંક સમયમાં એસઓપી જાહેર કરવામાં આવશે. જુદી-જુદી હોસ્પિટલો પ્રમાણે અલગ-અલગ એસઓપી જાહેર કરવામાં આવશે. જે રિતે હોસ્પિટલોમાં સરકારી યોજનામાં થતી ગેરરિતીઓ બહાર આવી છે. તે ચોંકાવનારી છે. ખ્યાતિ હોસ્પિટલોના ડોક્ટરે એક જ દિવસમાં 28 જેટલા ઓપરેશન કર્યા તે માનવામાં આવે તેમ નથી. ત્યારે હવે આવી તમામ હોસ્પિટલો સામે સરકારે બાંયો ચડાવી છે અને ગેરરિતી રોકવા માટે ટૂંક સમયમાં એસઓપી પણ જાહેર કરવામાં આવશે.
ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને મફત સારવાર મળી રહે તે માટે ઉપયોગી એવી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના યોજના હોસ્પિટલો માટે જાણે કમાણીનું સાધન બની રહી છે. વ્યાપકપણે ગેરરીતીઓ થઇ હોવા છતાંય રાજ્ય આરોગ્ય વિભાગે ધડો લીધો નહીં. અને હવે ખ્યાતીકાંડ બાદ જાણે સરકાર સફાળી જાગી હોય તેમ રાજ્યની તમામ નાની-મોટી હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. સરકારના આદેશ અનુસાર, તમામ હોસ્પિટલે 12 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. જે બાદમાં 12 માર્ચ 2025 સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરાશે. અત્યાર સુધી રાજ્યમાં બોમ્બે નર્સિંગ એકટ મુંજબ રજીસ્ટ્રેશન થતું હતું પણ આ કાયદો ચાર વર્ષ પહેલા નાબુદ થયા બાદ ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તે અંતર્ગત 50 બેડથી ઉપરની હોસ્પિટલનું જ રજીસ્ટ્રેશન કર્યું હતું પરંતુ આ ઘટના પછી સરકારે તમામ નાની મોટી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરવા આદેશ આપ્યો છે.રાજ્યમાં અંદાજે 60 થી 70 ટકા હોસ્પિટલો હાલમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ રજીસ્ટર થઇ નથી પરંતુ હવે તમામે આ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એક ડોકટરે કહ્યું હતું કે, રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓન લાઈન છે પણ તે એક વખત થઇ ગયા પછી રાજ્યસરકારનું ઇન્સ્પેકશન આવશે અને દર્દીઓ માટેની સુવિધાઓ અને અન્ય બાબતોની ચકાસણી કરવામાં આવશે.રાજ્ય સરકારના આ આદેશ બાદ હવે રાજ્યની 60 થી 70 ટકા નાની નાની હોસ્પિટલોએ કાયદા અનુસાર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કોઈ ડેન્ટીસ્ટ હોય, આયુર્વેદિક ડોક્ટર હોય કે પછી હોમીયોપેથિકના ડોક્ટર હોય તમામે આ પ્રક્રિયા કરવી પડશે.
ફૂલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ જરૂરી, વિઝિટિંગ ડોક્ટર નહીં ચાલે
કાર્ડિયોલોજી સ્પેશિયાલિટી અંતર્ગત ડોક્ટરે કામગીરી કરવા માટે ફૂલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ જરૂરી છે. ડોક્ટર પોસ્ટનો 2 વર્ષનો અનુભવ ફરજિયાત રહેશે. કાર્ડયોલોજી પેકેજ માટે કેથલેબ ઉપરાંત કાર્ડિયાક ઓપરેશન થિયેટર ફરજિયાત રહેશે. વિઝિટિંગ કાર્ડિયોલોજીસ્ટ અથવા સર્જનને પીએમજેએવાય અંતર્ગત માન્યતા મળશે નહીં. આ ઉપરાંત ક્લિનિક એસ્ટાબ્લિશ એક્ટ અન્વયે ચોક્કસ પ્રોસયુડર માટે ઇન્ફોર્મ્ડ કોન્સર્ટ અંગેની ચોક્કસ જોગવાઈઓ દાખલ કરવામાં આવશે.