- સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતની અમલવારી કરાશે: ટુંક સમયમાં ચૂંટણીની તારીખોનું પણ એલાન થવાની સંભાવના
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કરવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ માટે રચવામાં આવેલ કમિશનના રિપોર્ટ બાદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતનો નિર્ણય લેવામાં આવ્યો છ. દરમિયાન જૂનાગઢ માનગરપાલિકા અને રાજયની 79 નગરપાલિકાઓમાં નવા સિમાંકન મુજબ બેઠકની ફાળવણી કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ચૂંટણીની તારીખોનું પણ એલાન કરવામાં આવશે. ડિસેમ્બર માસન અંતમાં ચૂંટણી યોજાઈ તેવી શકયતા જણાય રહી છે.
ગુજરાતમાં ઓબીસી સમાજની વસ્તીના આધારે સ્થાનીક સ્વરાજયની સંસ્થા જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં ઓબીસી અનામત અંગે રાજય સરકાર દ્વારા એક કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશનના રિપોર્ટના આધારે સરકાર દ્વારા રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 27 ટકા બેઠકો ઓબીસી માટે અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ઓબીસી અનામતની ટકાવારી નકકી ન થવાના કારણે જૂનાગઢ મહાનગરપાલિકા, 79 નગરપાલિકાઓ, બે જિલ્લા પંચાયત ઉપરાંત અનેક તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં છેલ્લા છ માસથી પણ વધુ સમયથી વહિવટદાર શાસન છે. ચૂંટાયેલી બોડી અસ્તિત્વમાં નથી દરમિયાન સરકાર દ્વારા કમિશનના રિપોર્ટના આધારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો હતો. ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકા અને 79 નગરપાલિકાઓમાં નવા સિમાંકન મુજબ બેઠકની ફાળવણી કરી દેવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમા છેલ્લા ઘણા મહિનાઓથી વહિવટદાર શાસન હોય આગામી દિવસોમાં હવે ગમે ત્યારે રાજય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે તારીખોનું એલાન કરી દેવામાં આવશે. ડિસેમ્બર માસના અંતમાં ચૂંટણી યોજાઈ તેવી સંભાવના જણાય રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજય સરકાર દ્વારા રાજયની આઠ મહાનગરપાલિકાઓમાં મેયરનું રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. અઢી અઢી વર્ષની મેયરની યર્મ માટે કેટેગરી મુજબ રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજયની તમામ સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં હવે 27 ટકા જન પ્રતિનિધિઓઓબીસી સમાજના હશે.
રાજકોટ સહિત રાજયની મહાનગરપાલિકાઓ અને 31 જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણી વર્ષ 2026ના આરંભે યોજાવાની છે જેમાં પણ 27 ટકા ઓબીસી અનામત મુજબ જ નવુ સિમાંકન અસ્તિત્વમાં આવી જશે રાજકોટ મહાનગરપાલિકામાં હાલ 18 વોર્ડ અને 72 બેઠકો છે નવા સિમાંકનમાં એકથી બે વોર્ડ વધશે અને ચારથી આઠ બેઠકો પણ વધવાની સંભાવન હાલ જણાય રહી છે. દરેક વોર્ડમાં એક બેઠક ઓબીસી સમાજ માટે અનામત રાખવામા આવે તેવી શકયતા છે.
રાજકોટ મહાનગરપાલિકાની હદમા પાંચ નવા ગામોનો ઉમેરો થયો છે. છતા વોર્ડ કે બેઠકમાં કોઈજ વધારો કરવામાં આવ્યો નહતો આ વખતે બેઠકમાં વધારો થવાની પુરેપુરી સંભાવના જણાય રહી છે. રાજય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી રવિવારથી મતદાર યાદી સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવનાર છે.