- મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં
- બે શખ્સોએ ધાબા પરથી યુવકને ધકકો માર્યાનું ખુલતા પોલીસે ગુનો નોંધ્યો: આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર
- અબતક,ઘનશ્યામ ભટ્ટી, સુરેન્દ્રનગર
- વઢવાણ નવા 80 ફુટ રોડ પર આવેલ એક કોમ્પલેક્ષના ધાબા પરથી યુવક પટકાતા શંકાસ્પદ હાલતમાં મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે.
યુવકના મોત પાછળનું સાચું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે બીજી બાજુ યુવકની હત્યા નીપજાવી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ સરકારી હોસ્પીટલ ખાતે હોબાળો મચાવી લાશને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો અને મોડી સાંજે આ બનાવ અંગે બે શખ્શો સામે ફરિયાદ નોંધાતા પરિવારજનોએ લાશને સ્વીકારી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણ નવા 80 ફુટ રોડ પર આવેલ એક કોમ્પ્લેક્ષના દુકાનના ધાબા પર થી ગત તા.13 નવેમ્બરને રાત્રીના સમયે એક યુવક નીચે પટકાતા રહસ્યમય સંજોગોમાં યુવકનું મોત નીપજ્યું હતું જે બનાવને પગલે આસપાસના દુકાનદારો સહિત સ્થાનીક રહિશો અને લોકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડ્યા હતા અને આ અંગે બી-ડિવીઝન પોલીસ મથકે જાણ કરતા સ્થાનીક પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને મૃતક યુવકની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો તેમજ પ્રાથમિક તપાસમાં મૃતક યુવક શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પીટલ પાછળના વિસ્તારમાં રહેતો ચંદન પરમાર હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આ બનાવને પગલે બીજે દિવસે સવારે શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પીટલ ખાતે મૃતક યુવકના પરિવારજનો સહિત સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને લાશને સ્વીકારવાનો ઈન્કાર કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે આ તકે મૃતકના પરિવારજનોએ મૃતક યુવક ચંદન પરમાર સાથે રહેલા અન્ય મિત્રો અને યુવકોદ્વારા કોઈ કારણોસર યુવકની હત્યા નીપજાવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને જ્યાં સુધી પોલીસ દ્વારા હત્યા નીપજાવનાર આરોપીઓને ઝડપી પાડવામાં નહિં આવે ત્યાં સુધી લાશને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે આ બનાવને પગલે મુખ્ય સરકારી હોસ્પીટલ ખાતે ડિવાયએસપી વી.બી.જાડેજા સહિત બી-ડિવીઝન પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો
જ્યારે મૃતક યુવકના પરિવારજનોને પોલીસ અધિકારીઓએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને આરોપીઓને ઝડપી પાડવાની ખાત્રી પણ આપી હતી. પરંતુ વિરોધ કરી રહેલ લોકો એકના મેક થયા નહોતા અને પોતાની માંગ પર અડગ રહ્યાં હતાં. જ્યારે મોડી સાંજે મૃતકના પરિવારજને પોલીસ મથકે આ બનાવ અંગે બે શખ્શો વિશાલ વિરજીભાઈ સોલંકી અને તેનો સાળો પાર્થ વાઘેલા બન્ને રહે. 80 ફૂટ રોડ, વઢવાણ વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ચંદન પરમાર રાજકોટ ખાતે નોકરી કરતો હતો અને ત્યાં થી સીધો મિત્રના જન્મદિવસની પાર્ટીમાં સુરેન્દ્રનગર આવ્યો હતો અને દારૂની મહેફિલ માણયા બાદ કોઈ કારણોસર બોલાચાલી થઇ હતી. જેમાં સાથે રહેલા બન્ને શખ્શો વિશાલ વિરજીભાઈ સોલંકી અને તેનો સાળો પાર્થ વાઘેલાએ ચંદન પરમારને મારી નાખવાના ઇરાદે ધાબા પર થી ધક્કો મારી દેતા યુવકનુ નીચે પટકાઈ જવાથી મોત નિપજયું હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો પોલીસે બંને શખ્શોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.