જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિન ખેતીના હેતુફેરની કામગીરી અંગે બોનાફાઇડ પરચેઝર ના કિસ્સામાં જમીન વેલ્યુએશન આધારે પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કરાયો

બોનાફાઈડ પરચેઝર ના કિસ્સામાં પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેકટર આપી શકશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્યમાં પ્રવર્તમાન નિયમાનુસાર જે જમીનોનું વેલ્યુએશન 50 લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનાફાઇડ પરચેઝરે રાજ્ય કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે.

આવા પરચેઝર્સની અરજીની વધુ સંખ્યા તેમજ તેના પરિણામે મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓની વિચારણામાં વ્યતીત થતો સમય નિવારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્તા વિકેન્દ્રીકરણના હેતુસર મહત્વનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સને ચરિતાર્થ કરવા જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કરવાનો આ નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, મહેસુલ વિભાગના તા.17/03/2017ના ઠરાવ મુજબ બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસુલાતની હાલની સત્તા સોંપણીમાં ફેરફાર કરીને હવે પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તાઓ જિલ્લા કલેકટરને સોંપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ લોકાભિમુખ નિર્ણયને પરિણામે બોનાફાઇડ પરચેઝર્સની અરજીઓનો ઝડપથી નિકાલ થતાં સમગ્ર કાર્યવાહી વધુ વેગવંતી બનશે અને પરિણામે વિકાસ પ્રક્રિયાને પણ વેગ મળશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.