શું હતો સમગ્ર બનાવ
ગત 10 નવેમ્બરના રોજ રાત્રીના સમયે MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન અને તેનો મિત્ર પૃથ્વિરાજસિંહ બુલેટ લઇને રેન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે ઉભા હતા. એ સમયે ત્યાંથી એક કાર પૂરપાટ ઝડપે આવી હતી અને બુલેટ નજીકથી ટર્ન લીધો હતો. જેથી પ્રિયાંશુએ કાર ચાલકને કાર ધીમે ચલાવવા માટે ટકોર કરી હતી. જેથી કાર ચાલકે તેમના બુલેટનો પીછો કર્યો હતો અને ચાર રસ્તાથી થોડે આગળ બુલેટ રોકાવ્યું હતું.
બુલેટ રોકાવીને શું બોલ્યો તેમ કરીને બોલાચાલી કરી હતી. બોલાચાલી દરમિયાન ઝપાઝપી થતાં કાર ચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને પ્રિયાંશુને છરીના ઘા ઝીંકી દીધા હતા. થોડા સમય બાદ ત્યાંથી પસાર થઇ રહેલી એક મહિલા અને તેનો સગીર પુત્રએ મદદ કરી હતી અને ગંભીર હાલતમાં પ્રિયાંશુને હોસ્પિટલ લઇ ગઇ હતી. જ્યાં સારવાર દરિયાન પ્રિયાંશુનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પ્રિયાંશુના મિત્ર દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીનો સ્કેચ પણ જાહેર કર્યો હતો.
અમદાવાદમાં બોપલ હત્યા કેસનો આરોપી ઝડપાયો છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી એક પોલીસકર્મી છે. શહેરના સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જ વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. વિરેન્દ્ર પઢેરીયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોલીસકર્મી સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. નોંધનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પોલીસકર્મીની પંજાબથી ધરપકડ કરી છે.
અગાઉ પણ ‘કાંડ’ કર્યો હતો!
અગાઉ પણ આરોપી પોલીસકર્મી એક ગુનામાં ઝડપાઇ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2017માં અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા બાવળામાં ચાલતા ગેરકાયદેસર કોલસેન્ટર પર રેડ પાડવામાં આવી હતી. બાવળા ખાતે બાવળા સાણંદ રોડ જલારામ મંદિર પાસે આવેલ સાંઈ ક્રિસ્ટલ કોમ્પલેક્ષના પહેલા માળે દુકાન નં. એ-104થી એ-107માં તારીખ 1-3-2017ના રોજ રાત્રે રેડ કરી એક યુવતી સહિત 13 શખ્સોને કેાલ સેન્ટર ચલાવતા ઝડપી લેવાયા હતા. આ કોલ સેન્ટરમાં અમદાવાદ શહેરમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પોલીસ કોન્સટેબલ વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરીયા સહિત 13 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.
શહેરના બોપલ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. કાર ચાલક સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો ત્યારે 2 વિદ્યાર્થીઓએ કાર સ્પીડમાં ન ચલાવવા ટકોર કરી ત્યારે કાર ચાલકે છરી વડે હુમલો કરી હત્યા કરી દેતા ચકચાર મચી હતી.
મળતી માહિતી પ્રમાણે, મૃતક પિયાંશુ મૂળ UP મેરઠનો છે. MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પિયાંશુ પોતાના મિત્ર સાથે સ્વીટની દુકાન જઈને પરત આવી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો છે. પિયાંશુને મદદ કરવા એક મહિલા આવી હતી અને ઈજાગ્રસ્ત હાલતમાં પિયાંશુને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ સવાર સુધીમાં તેનું મોત થયું હતું.