- જેટ ગતિએ વિકસતા રાજકોટની વિકાસ યાત્રાને બ્રેક
- ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી અગ્નિકાંડની ઘટના છ માસ બાદ પણ કોર્પોરેશનમાં મહત્વપૂર્ણ કામગીરીમાં ભેદી ઢીલ
- રાજય સરકારમાં રાજકોટનું કંઈ ઉપજતુ નથી: સાંસદ, ધારાસભ્યો અને કોર્પોરેશનના પદાધિકારીઓની હાલત દયનીય: સ્માર્ટ સિટીનો વિકાસ રૂંધાયો
- બિલ્ડર લોબીમાં ભારે નારાજગી: માંડ ગાડી પાટે ચડે ત્યાં નવા કાયદા ઠોકી બેસાડી દેવામાં આવે છે: ઈમ્પેકટની અરજીઓના નિકાલમાં પણ ઢીલાશ
જેટ ગતિએ વિકસતા સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની વિકાસ યાત્રાને છેલ્લા છ માસથી જાણે બ્રેક લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા જીવલેણ અગ્નીકાંડની ઘટના બાદ શહેરમાં સૌથી વધુ અસર બાંધકામ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પડી છે.
શહેરના વિકાસને વેગ આપવાની જવાબદારી જેના શીરે છે તે રાજકોટ મ્યુનીસિપલ કોર્પોરેશન જ વિકાસને ગળાટૂંપો આપી રહ્યો છે. બાંધકામ પ્લાન અને કમ્પ્લીશન સર્ટિફિકેટની ફાઈલોના થપ્પા લાગ્યા છે. અનેક પ્રોજેકટ વિલંબમા પડયા છે. પઝેશન આપવાના કિસ્સામાં હવે બિલ્ડરોએ ‘રેરા’ના કાયદાનો પણ ભોગ બનવું પડે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર હાલ રિતસર તડફડિયા મારી રહ્યું છે.
ગત મે માસમાં શહેરના નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા આ ઘટના માટે અદાલત દ્વારા કોર્પોરેશનની ટીપી શાખા અને ફાયર બ્રિગેડ શાખાની ગુન્હાહિત બેદરકારીને જવાબદાર ઠેરવવામાં આવી હતી અગ્નીકાંડની ઘટનાના આરોપી તરીકે પૂર્વ ટીપીઓ એમડી સાગઠીયા અને પૂર્વ સીએફઓ ઈલેશખેર સહિત કોર્પોરેશનના એકાદ ડઝનથી વધુ અધિકારી અને કર્મચારીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. કોર્પોરેશનમાં હાલ મોટાભાગનો વહિવટ ઈન્ચાર્જના હવાલે છે.
બાંધકામ માટે રોજ નવા-નવા નિયમો જાહેર કરવામાં આવતા હોવાના કારણે બિલ્ડરોએ ભારે મૂસીબતનો સામનો કરવો પડે છે. બિલ્ડીંગ પનને મંજૂરી આપવામાં મહિનાઓ કાઢી નાખવામાં આવે છે. તૈયાર થઈ ગયેલા બિલ્ડીંગોને વપરાશની પરવાનગી આપવામાં આવતી નથી નાના-મોટા વાંધા વચકા કાઢી કમ્પ્લીશન આપવામાં ભેદી ઢીલ દાખવવામા આવે છે. કોર્પોરેશનના રેકોર્ડ પર ગત 1 એપ્રીલથી 12 નવેમ્બર સુધીના સમય ગાળામાં શહેરના વેસ્ટઝોન કચેરીમાં આવતા વોર્ડ વિસ્તારમાં નવા ઝીરોથી 15 મીટર સુધીના 1074 બિલ્ડીંગ પ્લાન અને 15 મીટરથી લઈ 25 મીટર સુધીના 48 બિલ્ડીંગ પ્લાન મંજુરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા. જેની સામે 1051 બિલ્ડીંગ પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી છે અને 71 પ્લાન આજ તારીખ મંજુરીની રાહ જોઈ રહ્યા છે. જયારે વેસ્ટઝોનમાં કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવા માટે 492 અરજીઓ આવી હતી જે પૈકી 483 અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. 25 મીટરથી વધુની ઉંચાઈ ધરાવતી બિલ્ડીંગમાં 9 પ્લાનને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાની કામગીરી ફલાવર બેડના નવા નિયમના કારણરે અટકી છે.
ઈસ્ટઝોન કચેરીમાં આવતા વોર્ડ અને વિસ્તારની વાત કરવામાં આવે તો છેલ્લા છ માસમાં ઈસ્ટઝોનમા 2595 બિલ્ડીંગ પ્લાન રજૂ થયા હતા જે પૈકી 2032 અરજીઓ મંજૂર કરી દેવામાં આવી છે. જયારે અલગ અલગ કારણોસર 395 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. જયારે 168 અરજીઓ આજની તારીખે પેન્ડીંગ છે. જયારે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં નવા બિલ્ડીંગ પ્લાનની આવેલી કુલ અરજીઓમાંથી હાલ 27 અરજીઓ પેન્ડીંગ છે. સેન્ટ્રલ ઝોનમા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાની એકપણ અરજી પેન્ડીંગ ન હોવાનો દાવો અધિકારીઓ કરી રહ્યા છે.
ઈસ્ટઝોનમાં કમ્પ્લીશન સર્ટિફિકેટ માટે 1 એપ્રિલથી 12 નવેમ્બર સુધીના સમય ગાળામાં કુલ 1837 અરજીઓ આવી હતી જે પૈકી 1815 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જયારે 10 અરજીઓ નિયમોનું પાલન ન થતું હોય ના મંજૂર કરવામાં આવી છે. અને માત્ર 12 અરજીઓ જ પેન્ડીંગ છે. કોર્પોરેશનના રેકોર્ડ પર જે આંકડા દર્શાવવામાં આવે છે. તેનાથી વાસ્તવિક આંકડાઓ ઘણા વધુ છે. બાંધકામ પ્લાન કે કમ્પ્લીશન સર્ટિફિકેટ માટે અરજી મૂકતા પહેલા પ્રાથમિક તપાસ કરાવવામાં આવે તો અધિકારીઓ જ એવું કહી દે છે કે તમને મંજુરી નહી મળે આટલા આટલા ફેરફાર કરવા પડે તેમ છે. જેના કારણે બિલ્ડરો ખાસ કરીને કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવા અરજી કરતા નથી.મ્યુનીસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા બે મહિના પૂર્વ ફલાવર બેડના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેના કારણે અનેક બિલ્ડીંગ પ્રોજેકટ પર વિપરિત અસર પડી છે. જે બિલ્ડરોના પ્લાન અગાઉ મંજૂર થયા છે. તેઓ પણ ફલાવર બેડના નવા નિયમના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજય સરકારમાં પણ રાજકોટના સાંસદ, ધારાસભ્ય, કે કોર્પોરેશનના પદાધિકારીઓનું કશું જ ઉપજતુ નથી. નવા-નવા નિયમો ઠોકી બેસાડવામાં આવે છે. આ અંગે સ્થાનિક ઉચ્ચ અધિકારીને તો રોકી શકતા નથી સાથોસાથ રાજય સરકારમા પણ કોઈજ છુટછાટ લાવી શકતા નથી. ટીઆરપી ગેમ ઝાને અગ્નિકાંડની ઘટના બાદ જાણે રાજકોટમાં બધુ જ ગેરકાયદે ધમધમી રહ્યું હોય તેવું ચિત્ર ઉભુ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશન જ રાજકોટનો વિકાસ અટકાવી રહ્યું છે. અગ્નિકાંડની ઘટના બાદ અધિકારીઓ અને કર્મચારીઓ જવાબદારી નિભાવવામાં અને સામાન્ય જોખમ ઉઠાવવામાં પણ ફફડી રહ્યા છે. જેના કારણે નિયમ વિરૂધ્ધ હોય તેવું સામાન્ય કામ પણ ચલાવતા નથી. નવા બાંધકામ પ્લાન અને તૈયાર થઈને ઉભેલા પ્રોજેકટમાં બિલ્ડીંગ યુઝ પરમીશનની અરજીઓના થપ્પા લાગી ગયા છે.કમ્પ્લીશનમાં ભેદી ઢીલના કારણે બિલ્ડરોએ હવે રેરાના નિયમનો સામનો કરવો પડે છે. કારણ કે બિલ્ડીંગ તૈયાર છે. પરંતુ કમ્પ્લીશન સર્ટિફિકેટના વાંકે ખરીદનારને પઝેશન સોપી શકાતુ નથી અને દસ્તાવેજ થઈ શકતા નથી જેના કારણે અબજો રૂપીયાનું રોલીંગ અટકી ગયું છે. સાથો સાથ રોજ નિયમોમાં ફેરફારથી નવા બિલ્ડીંગ પ્લાન પણ મૂકતા બિલ્ડરો અચકાય રહ્યા છે, રાજકોટની સ્થીતિ ટીઆરપી ગેમઝોન અગ્નીકાંડ બાદ દયનીય બની ગઈ છે. ભાજપના સંગઠનના હોદેદારો અને કોર્પોરેશનના શાસકો આ સ્થિતિમાંથી શહેરને બહાર કાઢવામાં વામણા પૂરવાર થઈ રહ્યા છે.
- 15 મીટર સુધીના બાંધકામની અધધધ 2900 અરજીઓ પેન્ડીંગ
- 25 મીટરથી ઉપરની ઉંચાઇના બાંધકામ પ્લાનની 16 અરજીઓ મંજૂરીની રાહમાં
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાની સૌથી વધુ અસર રાજકોટના બાંધકામ ઉદ્યોગને પડી છે. શહેરમાં આકાશ સાથે વાતો કરતા બિલ્ડીંગના નિર્માણની કામગીરી અટકી પડી છે. આટલું જ નહીં લો-રાઇઝ બિલ્ડીંગોના પ્લાન પણ મંજૂર કરવામાં આવતા નથી. બિલ્ડરોમાં દેકારો બોલી ગયો છે. આર્કિટેક પણ ધક્કા ખાઇ-ખાઇને હવે કંટાળ્યા છે. કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યાનુસાર હાલ શહેરમાં 15 મીટર ઉંચાઇ સુધીના બાંધકામ માટેની 2900થી વધુ અરજીઓ પેન્ડિંગ છે. જીડીસીઆરના નિયમનો સામાન્ય ભંગ થતો હોય તો પણ બિલ્ડીંગ પ્લાન મંજૂર કરવામાં આવતો નથી. જેના કારણે ફાઇલોના થપ્પા લાગી ગયા છે. સૌથી વધુ અરજી 15 મીટર સુધીની ઉંચાઇના બાંધકામની આવતી હોય છે. રોજ સરેરાશ 50 થી 60 અરજીઓ આવે છે. કોઇ વ્યક્તિ પોતાના ઘર પર એકાદ રૂમ સહિતનું સામાન્ય બાંધકામ કરવા ઇચ્છતા હોય તો પણ તેને મંજૂરી મેળવવા માટે પગે પાણી આવી જાય છે. 25 મીટરથી વધુ ઉંચાઇના બિલ્ડીંગો બનાવવાની 16 અરજીઓ હજી પેન્ડિંગ છે. જ્યારે ફ્લાવર બેડના નિયમની અમલવારી બાદ કમ્લીશન માટેની 24 જેટલી અરજીઓ રોજ એક ટેબલેથી બીજા ટેબલ સુધી અવર-જવર રહી છે.