કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં મહિલા બટાલિયનની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે.

આ બટાલિયનમાં માત્ર મહિલાઓની જ ભરતી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયની જાણકારી ખુદ ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર આપી છે.

અમિત શાહે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્ર નિર્માણના દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે મોદી સરકારના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું ભરતાં CISFની પ્રથમ સર્વ-મહિલા બટાલિયનની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે.’

સોશિયલ મીડિયા પોસ્ટ પર આપી માહિતી

ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, ‘મહિલા બટાલિયન, એક ચુનંદા સૈન્ય ટુકડી તરીકે રચવામાં આવશે, તે દેશના મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ, જેમ કે એરપોર્ટ અને મેટ્રો રેલની સુરક્ષા અને કમાન્ડોના રૂપમાં VIP સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી લેશે. આ નિર્ણય ચોક્કસપણે વધુને વધુ મહિલાઓની રાષ્ટ્રીય સુરક્ષાના મહત્વપૂર્ણ કાર્યમાં ભાગ લેવાની આકાંક્ષાઓને પૂર્ણ કરશે.

મહિલાઓને મળશે નવી ઓળખ

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં સેવા આપવા માટે મહિલાઓ માટે CISF લોકપ્રિય વિકલ્પ રહ્યો છે. હાલમાં CISFમાં 7% થી વધુ મહિલાઓ કાર્યરત છે. મહિલા બટાલિયનના ઉમેરાથી દેશભરની યુવતીઓને CISFમાં જોડાવા અને દેશની સેવા કરવા પ્રેરણા મળશે. આ સાથે CISFમાં મહિલાઓને પણ નવી ઓળખ મળશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.