• ગુજરાતમાં ભગવાન બિરસા મુંડાની યાદમાં ‘બિરસા મુંડા ભવન’ અને ‘બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી’ કાર્યરત
  • બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી
  • યુનિવર્સિટીમાં મુખ્યત્વે સ્કૂલ ઓફ સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણ પ્રવાહ કાર્યરત
  • વિશિષ્ટ તાલીમ અને પ્રોગ્રામ અંતર્ગત આદિજાતિ વિસ્તારના 1,500થી વધુ વિદ્યાર્થીઓને રોજગારલક્ષી તાલીમ અપાઈ
  • ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૪૧૧ જેટલા વિદ્યાર્થીઓનો સ્નાતક કક્ષાની વિદ્યાશાખામાં અભ્યાસ ચાલુ અત્યાર સુધીમાં યુનિવર્સિટીના
  • વિકાસ માટે અંદાજે રૂ. 217 કરોડનો ખર્ચ કરાયો

જળ, જમીન અને જંગલના રક્ષણ માટે બલિદાન આપનાર ભગવાન બિરસા મુંડાએ આઝાદીની લડતમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. વર્ષ 2000 માં ગાંધીનગર ખાતે બિરસા મુંડા ભવન તેમજ વર્ષ 2017માં નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પ્રથમવાર આદિવાસી વિદ્યાર્થીઓ માટે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીની સ્થાપના કરી ગુજરાતને ભગવાન બિરસા મુંડાની યાદમાં સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આદિજાતિ સમુદાયના નાગરિકોનો સર્વાંગી વિકાસ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ હરહમેંશ પ્રયત્નશીલ છે.

આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડીંડોર તેમજ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિની દિશાદર્શનમાં બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ આદિજાતિ વિદ્યાર્થીઓની પરંપરાગત જરૂરિયાત અને આધુનિક શિક્ષણના માપદંડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના ચાલુ વર્ષના બજેટમાં યુનિવર્સિટીના વિકાસ માટે વધુ રૂ. 06 કરોડ જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં અંદાજે રૂ. 217 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યુનિવર્સિટીમાં મુખ્યત્વે સ્કૂલ ઓફ સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણ પ્રવાહ ભણાવવામાં આવે છે. જેમાં યુનિવર્સિટીમાં વર્ષ 2018 થી 2024 સુધીમાં890  થી વધુ વિદ્યાર્થીઓએ સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો. જ્યારે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૪૧૧ જેટલા વિદ્યાર્થીઓએ સ્નાતક કક્ષાની ત્રણ વિદ્યાશાખામાં અભ્યાસ કરી રહ્યા છે.

આ ઉપરાંત બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીના વિશિષ્ટ તાલીમ અને પ્રોગ્રામ અંતર્ગત આદિજાતિ વિસ્તારના 1,500 થી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ તાલીમ આપી છે. જે તેમના કારકિર્દી અને વ્યક્તિગત વિકાસ માટે સોનામાં સુગંધ ભળી સમાન સાબિત થઇ રહ્યું છે. સ્નાતક કક્ષાની વિદ્યાશાખામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવાની અને જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં નર્મદા જિલ્લાના જીતનગર- રાજપીપળામાં રાજ્ય સરકાર દ્વારા અંદાજે 39 એકર જમીન વિસ્તારમાં બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી સશક્ત બનાવવાના ઉમદા આશયથી આ યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથોસાથ આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તેમજ વ્યાવસાયિક તાલીમ આપી તેમણે સામાજિક અને આર્થિક સ્તરે પગભર પણ બનાવવામાં આવી રહ્યા છે. આ યુનિવર્સિટી આદિજાતિ શિક્ષણ પર ખાસ ધ્યાન આપી રહી છે, જેનાથી આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓને શિક્ષણ અને જીવનના દરેક ક્ષેત્રમાં વધુ સક્ષમ- મજબૂત બનાવવાની તક પ્રાપ્ત થઇ રહી છે.

આગામી આયોજન

આગામી સમયમાં યુનિવર્સિટી કેમ્પસમાં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદા, શિક્ષણ શાખા, સ્પોર્ટ્સ, પુસ્તકાલય સહિત ટ્રાયબલ ટ્રેડિશનલ આર્ટ એન્ડક્રાફ્ટ, સ્કીલ બેઝ એજ્યુકેશનમાં સ્નાતકથી અનુસ્નાતક, વ્યાવસાયિક અને પીએચ.ડી. સુધીના અભ્યાસક્રમ ચાલુ કરવાનું આયોજન છે. સાથો સાથ યુનિવર્સિટી દ્વારા દૂરવર્તી અધ્યયન શિક્ષણ સહિતના શિક્ષણ કેન્દ્ર, આદિજાતિ ભાષા અને સાહિત્ય સંશોધન કેન્દ્ર, કારકિર્દી પરામર્શન અને નોકરીની નિયુક્તિ સહિતના તાલીમ કેન્દ્ર, વિસ્તરણ શિક્ષણ, આદિજાતિ પેદાશોના ખરીદ વેચાણ- માર્કેટીંગ અને સંચાલન માટેના કેન્દ્ર સ્થાપવા ચલાવવા અને વિકસાવવાનું પણ આયોજન છે.

બિરસા મુંડા ભવન, ગાંધીનગર

છેવાડાના આદિવાસી યુવક- યુવતીઓ માટે રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનું એક જ ભવનમાંથી અમલીકરણ થઇ શકે તેવા ઉમદા હેતુ સાથે ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં ગુજરાત સરકારે વર્ષ 2000 માં સેક્ટર 10, ગાંધીનગર ખાતે ‘બિરસા મુંડા ભવન’ની સ્થાપના કરી હતી. જેમાં કમિશનર આદિજાતિ વિકાસ, ગુજરાત આદિવાસી વિકાસ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી, ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ટી. આર. આઈ- ગુજરાત તેમજ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત વગેરેની કચેરીઓ એક જ ભવનમાં કાર્યરત છે. જે રાજ્યના આદિજાતિ સંબંધિત કામો, યોજનાઓ સહિત તેમના લાભો માટે પરિણામલક્ષી કામગીરી કરે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.