ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારા ૧૦ હજારથી વધુ રોકાણકારો આવકવેરા વિભાગની રડારમાં.
ઘણા સમયથી સમાચારોમાં બીટકોઈનનો ઉછાળો અને કડાકો રહ્યો છે. બીટકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સી ઘણા રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ટૂંકાગાળામાં વધુ વળતર મેળવવાની લાલચે અવિશ્ર્વસનીય ગણાતીય ક્રિપ્ટો કરન્સીમાં ઘણા રોકાણકારોએ નાણાં રોકયા હોવાનું જાણવા મળે છે. ત્યારે આવકવેરા વિભાગે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનાર ૧૦ હજારથી વધુ રોકાણકારોને નોટિસ ફટકારવાનો નિર્ણય લીધો છે. માત્ર ૧૭ મહિનામાં ક્રિપ્ટો કરન્સીની લેવડ-દેવડ ૩.૫ બિલીયન ડોલર સુધી પહોંચી ગઈ છે.
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓમાં સૌથી વધુ ટેકનોસેવી યુવા રોકાણકારો છે. આ ઉપરાંત રીયલ એસ્ટેટ અને જવેલર્સ સાથે સંકળાયેલા રોકાણકારો પણ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી રહ્યાં છે. મુંબઈ, દિલ્હી અને બેંગ્લોર સહિતના મોટા શહેરોમાં રોકાણકારો બીટકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરે છે. સરકારે ક્રિપ્ટો કરન્સીની વિશ્ર્વસનીયતા મામલે અનેક ચેતવણીઓ આપી છે છતાં પણ સરકારની ચેતવણીને અવગણી ઘણા રોકાણકારોએ જોખમી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું છે.
સરકાર ક્રિપ્ટો કરન્સીની લેવડ-દેવડને મામુ બનાવતી પોન્જી સ્કીમો સાથે સરખાવી ચૂકી છે. હાલ બીટકોઈન વિશ્ર્વની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી છે. ગત વર્ષે આ કરન્સીમાં ૧૭૦૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. બીટકોઈન અત્યાર સુધીમાં એક વખત ૨૦ હજાર ડોલરની સપાટી વટાવી ચૂકયું છે. ત્યારબાદ કડાકો પણ નોંધાયો છે. એકાએક આવતી તેજી અને મંદીથી અનેક રોકાણકારોના નાણા ધોવાઈ ગયા છે.
વિશ્ર્વના ઘણા દેશોમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ન કરવા સલાહ આપવામાં આવી છે. ડિજીટલ યુગમાં ક્રિપ્ટો કરન્સીનો વ્યાપ વધતા રોકાણકારો સલાહને અવગણી રહ્યાં છે. ત્યારે ભારત સરકારે દેશના રોકાણકારોને ચેતવણી આપી છે. ઉપરાંત ચેતવણીને અવગણી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારને ટેકસ નોટિસ ફટકારવાનું શરૂ કરી દીધું છે.