• સેન્સેક્સમાં 600થી વધુ અને નિફ્ટીમાં 200થી વધુ પોઇન્ટનો તોતીંગ કડાકો: કંપનીમાં ત્રિ-માસિક પરિણામો નબળા આવતા બજારમાં મંદી મજબૂત બની: બૂલીયન બજારમાં પણ નરમાશ

વિદેશી રોકાણકારો દ્વારા છેલ્લા બે મહિનાથી સતત માલ વેચવામાં આવી રહ્યો છે. જેની સામે ખરીદી એકપણ રૂપિયાની કરાતી નથી. જેની અસરના કારણે ભારતીય શેરબજારમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે તોતીંગ કડાકા બોલ્યા હતા. કંપનીઓના ત્રિ-માસિક પરિણામો નબળા આવતા બજારમાં મંદીને બળ મળ્યું હતું. આજે બૂલીયન બજારમાં પણ નરમાશ રહેવા પામી હતી.

આજે સવારે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ રેડ ઝોનમાં ખૂલ્યા હતા. વિદેશી રોકાણકારો દ્વારા ઓક્ટોબર માસમાં 1.14 લાખ કરોડના માલનું વેંચાણ કરવામાં આવ્યું હતું. ચાલુ મહિને પણ સતત વેચવાલી જારી રાખવામાં આવી છે. 10 દિવસમાં 22 હજાર કરોડનો માલ ફૂંકી મારવામાં આવ્યો છે. જેના કારણે બજારમાં મંદી વધુ વિકરાળ બની છે. અનેક કંપનીઓના ત્રિ-માસિક પરિણામો પણ અપેક્ષા કરતા નબળા આવ્યા છે.

જેથી બજાર બેઠું થવાનું નામ લેતું નથી. સેન્સેક્સ આજે 79,000 પોઇન્ટની સપાટી તોડીને 78,743 સુધી પહોંચી ગયો હતો. ઉપલી સપાટી 78,820ની રહી હતી.

જ્યારે નિફ્ટીએ આજે 24,000ની સપાટી તોડી હતી અને 23,907.10ના લેવલ સુધી સરકી ગઇ હતી. બેંક નિફ્ટીમાં પણ 650 પોઇન્ટથી વધુનો અને નિફ્ટી-100માં પણ 440 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. બૂલીયન બજારમાં પણ મંદી જોવા મળી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ થોડો નરમ રહ્યો હતો.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 676 પોઇન્ટના ઘટાડા સાથે 78,820 અને નિફ્ટી 217 પોઇન્ટના ઘટાડા સાથે 23,923 પર કામકાજ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.