• અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અમલી કરેલા ખાસ એક્શન પ્લાનથી 10 મહિનામાં 90 માનવ જીવન બચાવવામાં મળી સફળતા
  • ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ટ્રાફિક પોલીસની આ રીસર્ચ-એનાલિસીસ સહિતની કામગીરીથી મળેલી ફળશ્રુતિની સરાહના કરી અન્ય જિલ્લાઓમાં પણ તેનું અનુકરણ કરવા સૂચના આપીટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોની સાથે અકસ્માત ઝોન બની ગયેલા એરીયા આઇડેન્ટીફાય કરીને રોડ એન્જીનિયરીંગ સુધારા સહિતના અનેક પાસાઓ પર કામગીરી કરવામાં આવી
  • અમદાવાદ શહેરમાં વર્ષ 2023ની સરખામણીએ છેલ્લા 10 મહિનામાં 106 માર્ગ અકસ્માતોમાં ઘટાડો થયો

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા તથા આ અકસ્માતોથી થતાં માનવ મૃત્યુ અટકાવવા માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોની સાથે સાથે અકસ્માત ઝોન બની ગયેલા એરીયા આઇડેન્ટીફાય કરીને રોડ એન્જીનિયરીંગ સુધારા સહિતના અનેક પાસાઓ પર કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામે છેલ્લા 10 મહિનામાં 106 માર્ગ અકસ્માતોમાં ઘટાડો થવાની સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસને 90 માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસે કરેલા આ પ્રકારના ટ્રાફિક સંબંધિત રીસર્ચ સહિતની કામગીરીની સરાહના કરી છે. દાહોદ સહિતના કેટલાક જિલ્લાઓમાં આ પ્રકારે મલ્ટી ડાયમેન્શનલ એનાલિસીસ કરી માર્ગ અકસ્માતો ઘટાડવા પ્રશંસનિય કાર્ય કર્યુ છે ત્યારે અન્ય જિલ્લાઓમાં પણ તેનું અનુકરણ કરવા સૂચના આપી છે.

અમદાવાદ શહેરમાં બનતા જીવલેણ માર્ગ અકસ્માતોના બનાવોનું મેપીંગ કરીને આ અકસ્માત ઝોનમાં રોડ એન્જીનિયરીંગમાં સુધારા કરવાથી માંડીને ઝીબ્રા ક્રોસિંગ, સર્કલ ડિઝાઇન, ટ્રાફિક સિગ્નલ, રસ્તાઓ પરના કટ બંધ કરવા સહિતના જરૂરી અનેક સુધારા કરવા અમદાવાદ શહેર પોલીસે સૂચનો કર્યા અને તેનું વહિવટી તંત્રની મદદથી અમલીકરણ કરાવ્યુ છે. આ એનાલિટીક કામગીરી થકી અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોમાં તો ઘટાડો થયો જ છે, તેની સાથે આવા અકસ્માતોથી થતા માનવ મૃત્યુ આંકમાં પણ ઘટાડો થયો છે.

અમદાવાદ શહેરના બંને ટ્રાફિક ઝોનમાં તા.1લી જાન્યુઆરી થી તા. 31મી ઓક્ટોબર-2023 સુધી 10 મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માત અને તેનાથી થયેલા મૃત્યુની સરખામણીમાં વર્ષ-2024માં આ જ સમયગાળા દરમિયાન 10 મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માતોની તુલના કરતા માર્ગ અકસ્માતો અને મૃત્યુ બંનેમાં ઘટાડો થયો હોવાનું ધ્યાને આવ્યુ છે. અમદાવાદ શહેરમાં વર્ષ-2023માં 1203 માર્ગ અકસ્માતો અને 419 માનવ મૃત્યુની ઘટના બની હતી. આ રોડ એક્સીડેન્ટ એનાલિટીક્સ બાદ કરેલી કામગીરીને પરિણામે વર્ષ-2024માં આ માર્ગ અકસ્માતો ઘટીને 1097 થયા છે અને માનવ મૃત્યુ ઘટીને 329 થયા છે. એટલે કે, ગત વર્ષની સરખામણીમાં 106માર્ગ અકસ્માતો અને 90 માનવ જિંદગી બચાવવામાં સફળતા મળી છે.

અમદાવાદ પૂર્વ ટ્રાફિક ઝોનમાં વર્ષ 2023માં 10 મહિનામાં માર્ગ અકસ્માતમાં 229 મૃત્યુની ઘટનાઓ બની હતી તે ઘટીને આ વર્ષે 155 થઇ છે. એટલે કે, 74માનવ જીવન બચાવવામાં આવ્યા છે. તો બીજી તરફ અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક ઝોનમાં વર્ષ 2023માં 10 મહિનામાં માર્ગ અકસ્માતમાં 190 મૃત્યુની ઘટનાઓ બની હતી તે ઘટીને આ વર્ષે 174થઇ છે. એટલે કે, 16 માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.