• સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

  • વડતાલધામ છેલ્લા 200 વર્ષથી માનવતાના કલ્યાણ માટે સમર્પણ ભાવ સાથે સેવારત છે
  • ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સંતો મૂલ્યનિષ્ઠ અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યા છે
  • આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રો અને ધર્મગ્રંથો દ્વારા ભાવી પેઢીને જીવનદર્શન કરાવ્યું છે
  • સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય વૈદિક પરંપરાના ચિંતન સાથે પ્રાણીમાત્રના કલ્યાણ માટેનો ભારતીય સંસ્કૃતિનો માર્ગ સમગ્ર વિશ્વમાં પ્રશસ્ત કર્યો છે
  • વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ યોગદાન આપી ભારતને વિશ્વગુરુ બનાવવા પ્રતિબદ્ધ બનીએ

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે. ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને સમાજસેવાના તમામ ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન રહ્યું છે જે વિશ્વવ્યાપી બનવા સાથે આવનારી પેઢીને માટે પ્રેરણાદાયી બની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ સમાન વડતાલધામ છેલ્લા 200 વર્ષથી માનવતાના કલ્યાણ માટે સમર્પણ ભાવ સાથે કાર્ય કરી રહ્યું છે. જનકલ્યાણનું આ અભિયાન સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યું છે.

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી આજે સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા. રાજ્યપાલએ સંસારનો ત્યાગ કરી કઠોર જીવનનો માર્ગ અપનાવનાર ૪૭ નવદીક્ષિતોને શુભકામનાઓ પાઠવી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયે ગુરુકુળ પરંપરાને જીવંત રાખીને ભારતીય ઋષિ સંસ્કૃતિને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે, તે બદલ અભિનંદન પાઠવતાં આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સંતો મૂલ્યનિષ્ઠ અને કર્મઠ સમાજ રચના માટે સમર્પિત યુવા પેઢી તૈયાર કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માને છે એમ જણાવતાં રાજયપાલશ્રીએ કહ્યું કે, આપણા ઋષિમુનિઓએ શાસ્ત્રો અને ધર્મગ્રંથો દ્વારા ભાવી પેઢીને જીવન જીવવાનું દર્શન કરાવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યુવા પેઢીને વ્યસનમુકત અને સુસંસ્કારી બનાવવાનું મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે સરાહનીય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક રહી છે, વેદ-ઉપનિષદ દ્વારા માનવજાતને જીવનદર્શન મળ્યું છે તેમ જણાવતાં રાજયપાલએ કહ્યું કે, જીવનના પરમ ઉદ્દેશ્યને પામવા ભગવાન પ્રત્યે સમર્પિત ભાવથી ભક્તિ કરવાથી જીવનમાં લક્ષ્યસિધ્ધિની પ્રાપ્તિ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ભારતીય વૈદિક પરંપરાના ચિંતન સાથે પ્રાણીમાત્રના કલ્યાણ માટેનો ભારતીય સંસ્કૃતિનો માર્ગ સમગ્ર વિશ્વમાં પ્રશસ્ત કર્યો છે તેમ રાજ્યપાલએ ઉમેર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણી પ્રાચીન ગરિમા, આસ્થા અને વિરાસતના કેન્દ્રોને પુનઃ સ્થાપિત કરવાનું કામ કરી રહ્યા છે તેમ જણાવી રાજ્યપાલએ કહ્યું કે, વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ યોગદાન આપી ભારતને ‘વિશ્વગુરુ’ બનાવવા પ્રતિબદ્ધ થઈએ.

આ પ્રસંગે સંસ્થાના આચાર્ય રાકેશપ્રસાદજી, ટેમ્પલ સમિતિના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી સંતવલ્લભદાસજી સ્વામી, વક્તા સંત સર્વ જ્ઞાનજીવન સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી, સંતો, મહંતો સહિત દેશ વિદેશના હરિભક્તો,રાજકીય અને સામાજિક અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.