• સફાઇની નવી વ્યવસ્થા માટે અબજો રૂપિયાના ખર્ચ સામે નેહલ શુક્લએ વાંધો ઉઠાવ્યો
  • ચેરમેન જયમીન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને શુક્લ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વેની ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં ભારે ડખ્ખો થયો હતો. ધોળા હાથી સમાન ટીપરવાન અને સફાઇની નવી વ્યવસ્થા સામે વાંધો ઉઠાવવા છતાં સંકલન બેઠકમાં આ દરખાસ્ત મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના વિરોધમાં સભ્ય તરીકે નેહલ શુક્લએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગેરહાજર રહી વિરોધ નોંધાવ્યો હતો.

ટીપરવાન અને સફાઇની નવી વ્યવસ્થા માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી. જેનો ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલભાઇ શુક્લ તર્કબધ્ધ વિરોધ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે એક ટીપરવાન પાછળ પ્રતિદિન રૂ.5450નો ખર્ચ થાય છે. વર્ષે દહાડે આ ખર્ચ રૂ.19.89 કરોડ થશે. 573 ટીપરનો હિસાબ કરવામાં આવે તો ખર્ચનો આંક ખૂબ મોટો થાય છે. હાલ માત્ર 33 કરોડનો વાર્ષિક ખર્ચ થાય છે. જેની સામે હવે નવી સિસ્ટમમાં ખર્ચનો આંક ચાર ગણો એટલે કે 111 કરોડએ પહોંચશે. 10 વર્ષના કોન્ટ્રાક્ટમાં એજન્સીને કરોડો રૂપિયાની કમાણી થશે. બંને એજન્સીઓ મુંબઇ અને વડોદરાની હોય તેઓએ રાજકોટમાં કોઇ જ પ્રકારની કામગીરી કરવાની નથી. પેટા કોન્ટ્રાક્ટ આપીને વર્ષે દહાડે 44 કરોડનું કમિશનર લઇ જશે. જે વ્યાજબી નથી. આ દલીલના જવાબમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ નવા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટની અમલવારી કરવી પડે તેમ છે. જેના કારણે કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેના જવાબમાં નેહલભાઇએ કહ્યું હતું કે નવી સિસ્ટમ અમલમાં લાઓ તેની સામે મારો કોઇ જ વાંધો નથી. પરંતુ કોન્ટ્રાક્ટ કોને આપવો તેનો નિર્ણય તો મહાપાલિકા કરી શકે કે કેમ?

જયમીન ઠાકર અને નેહલ શુક્લ વચ્ચે દલીલ ચાલતી હતી ત્યારે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું હતું કે અમે સંકલન કરી નિર્ણય લીધો છે. હવે આ દરખાસ્ત અંગે વિરોધ કે વધુ દલીલ કરવાની કે વાંધો ઉઠાવવાનો કોઇ સવાલ ઉભો થતો નથી. જેની સામે નેહલભાઇ જવાબ આપ્યો હતો કે સંકલન બેઠકમાં દરેક દરખાસ્તો અંગે પૂછવું તે કોર્પોરેટરોનો હક્ક છે. જો નિર્ણય અગાઉ જ લેવામાં આવતા હોય તો સંકલન બેઠક જ કેન્સલ કરી નાંખવી જોઇએ. જેના જવાબમાં મુકેશભાઇ એવા વેણ કહ્યા હતા કે યુનિવર્સિટીમાં આપ જ્યારે નિર્ણય લેતા હતા ત્યારે કોઇ સંકલન કરતા હતા કે સિધા આદેશ જ આપતા હતા. જેનો જવાબ નેહલે આપ્યો હતો અને જણાવ્યું હતું કે અમારે યુનિવર્સિટીમાં છ-છ કલાક સુધી બેઠક ચાલતી હતી. ત્યારબાદ નિર્ણય લેવામાં આવતા હતા. મુકેશભાઇએ એવી પણ ટકોર કરી હતી કે તમે વિરોધ કરીને પાર્ટી સામે આવી રહ્યા છો જે તમારે માટે હાનિકારક છે. જેના જવાબમાં નેહલએ કહ્યું હતું કે મને ખબર જ છે કે મારી સામે પ્રદેશ સુધી ફરિયાદો થઇ છે. હું લોકહિત માટે અવાજ ઉઠાવવામાં કે વિરોધ કરવામાં ક્યારેય પાછીપાની નહિં કરૂં. દરમિયાન સંકલન બેઠકમાં તમામ દરખાસ્તો મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના વિરોધમાં નેહલ શુક્લએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય હોવા છતાં હાજર નહિં રહી વિરોધ દર્શાવતા કોર્પોરેશનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

નેહલ શુક્લ સામે પ્રદેશ ભાજપમાં ધગધગતો રિપોર્ટ કરવાનો તખ્તો તૈયાર

ભાજપના કોર્પોરેટર હોવા છતાં નેહલભાઇ શુક્લ દર વખતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ દરખાસ્ત સામે વિરોધ ઉઠાવે છે. આ અંગે શહેર ભાજપના સ્થાનિક હોદ્ેદાર દ્વારા પ્રદેશના નેતાઓ સમક્ષ અનેકવાર મૌખિક ફરિયાદ કરવામાં આવી છે. દરમિયાન આજે નેહલભાઇએ ટીપરવાનનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તના વિરોધમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગેરહાજર રહેવાનો નિર્ણય કર્યો હતો. જેના આગામી દિવસોમાં ઘેરા પડઘા પડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. પાર્ટીએ તેઓને સ્ટેન્ડિંગના સભ્ય બનાવ્યા છે. આવામાં તેઓએ સ્ટેન્ડિંગની તમામ દરખાસ્તોમાં હાજરી આપવી ફરજીયાત છે. સંકલનના કજીયા બાદ તેઓએ સ્ટેન્ડિંગની બેઠકમાં હાજરી ન આપતા પ્રદેશ સુધી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આગામી દિવસોમાં શહેર ભાજપ દ્વારા આ અંગે પ્રદેશમાં ધગધગતો રિપોર્ટ કરવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી. 10 વર્ષ માટે 1200 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત જ શંકાસ્પદ: કોંગ્રેસે વહિવટી મંજૂરી ન આપવાની મ્યુનિ.કમિશનરને કરી રજૂઆત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ અને મોટું ટેન્ડર જેમાં 10 વર્ષ માટે 1100 કરોડ થી વધુ કામો મંજૂર કરવામાં આવેલ છે તે બાબત શંકાસ્પદ છે અને આ અંગે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલ દરખાસ્તોમાં ભરષ્ટાચારની બદબૂ આવે છે. જે પગલે આવી દરખાસ્તનો અભ્યાસ કરી ને વહીવટી મંજૂરી ન આપવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી તથા વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે નવા ફીચર્સ ઉમેરાયા છે. તેમાં કામગીરીના ખર્ચની કોઈ વિગતો આપવામાં આવી નથી. અત્યાર સુધીનું સૌથી મોટું ટેન્ડર હોય તો એક જ એજન્સીને કામગીરી શા માટે આપવામાં આવી. પર્યાવરણ ઈજનેરની બદલી કરીને આ દરખાસ્ત કરવામાં આવી છે

અને નવ નિયુક્ત પર્યાવરણ ઈજનેરે પણ પર્યાવરણ ઇજનેર પદેથી રાજીનામું આપી દીધું છે એમ અમારી જાણમાં છે ત્યારે આ બાબત પણ શંકાસ્પદ અને શાસકોમાં કોનું હિત સંકળાયેલું છે તે તપાસનો વિષય છે.

આ અંગે રાજકોટની જનતાને અગાઉ શેરી ગલીઓમાં કોઈપણ જાતની જાગૃતિ અભિયાન ચલાવેલ નથી અને જે પગલે ટેન્ડરની શરતો મુજબ કામ થવાની શક્યતા નહિવત છે. ગત વર્ષે 52.57 કરોડ નો ખર્ચ કર્યા બાદ પણ ટેન્ડરની શરતો મુજબ કામ થયું નથી અને પરિણામ ન મળતા રાજકોટ સ્વચ્છતા ક્રમથી પાછળના ક્રમે ધકેલાયું છે. દૈનિક 750 ટન કચરા ના નિકાલ નો કોન્ટ્રાક્ટ જુદી જુદી પાર્ટીને શા માટે અપાયો નથી. ટીપરવાનમાં હાલની સંખ્યા 223 છે પરંતુ તે વધારી 573 થશે એટલે કે બમણીથી વધારે સંખ્યા કરવામાં આવશે. એજન્સીને પ્રથમ વર્ષે 96 કરોડ 111.57 કરોડ એટલે કે બમણાથી વધારે રકમ ચૂકવવામાં આવશે જે બાબત પણ શંકાસ્પદ અને તપાસનો વિષય છે. ટીપરવાન મોડી આવે અથવા લોકો તરફથી પ્રજાના પરસેવાના કમાણી માંથી જે  કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે તેમ છતાં ફરિયાદ ધ્યાનમાં લેવામાં આવશે નહીં પ્રજાને ફરિયાદ કરવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. ટીપરવાનની કોઈપણ ફરિયાદ અંગે પ્રજા ને ફરિયાદ કરવાનો અધિકાર છે અને ફરિયાદ બાદ જે તે એજન્સીને પેનલ્ટી કરવાની જોગવાઈ ટેન્ડર ની શરતોમાં હોવી જોઈએ જે છે નહીં. એક જ કોન્ટ્રાક્ટરને દસ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાને બદલે છ મહિનાથી થી એક વર્ષ માટે નો કોન્ટ્રાક્ટ માં તેઓની સરાહનીય કામગીરી લાગે તો જ દસ વર્ષનો કોન્ટ્રાક્ટ આપી શકાય.

હાલ રાજકોટ મહાનગરપાલિકામાં સખી મંડળી સહિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં 5,000 નું સેટઅપ છે ત્યારે વધુ ખાનગી કોન્ટ્રાક્ટ આપી વધુ સેનેટરી ઇન્સ્પેક્ટર ની આ કોન્ટ્રાક્ટ માં ભરતી કરી ભ્રષ્ટાચારની બદબૂ આવે છે. અગાઉની સખી મંડળ યોજનાઓ જે હતી તે સારી હતી હાલની ગાડીઓ શહેરમાં બેફામ પ્રદુષણ ફેલાવે છે ડીઝલનો વ્યાપક વપરાશ થાય છે. પ્રદૂષણ ન ફેલાય અને ડીઝલનો વપરાશ ઓછો થાય તે માટે વધુમાં વધુ સખી મંડળોની આવશ્યકતા છે.

યુનિવર્સિટીમાં નિર્ણય લેતા હતા ત્યારે કોઇ સંકલન થતું હતું તેવા પ્રમુખના વેણથી નેહલ શુક્લ નારાજ, અમે છ-છ કલાક બેઠક બાદ નિર્ણય લેતા હતા સ્ટેન્ડિંગની જેમ મિનિટોમાં ધડાધડ દરખાસ્તો અંગે મંજૂરીના નિર્ણયો લેવાતા ન હતા: રોકડું પરખાવી દીધું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.