- ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની નવી સિસ્ટમ અમલમાં આવશે: 10 વર્ષ માટે રૂ.1200 કરોડનો ખર્ચ થશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના નવા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016ની અમલવારી કરવામાં આવશે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉંધામાથે પટકાયા બાદ હવે રંગીલા રાજકોટને ચોખ્ખું ચણાક બનાવવાની નેમ સાથે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન અને સફાઇ માટેની નવી સિસ્ટમને બહાલી આપવામાં આવી છે. જેમાં 10 વર્ષમાં 1200 કરોડથી વધુનો ખર્ચ થશે. ન્યૂસન્સ પોઇન્ટ નાબૂદ થઇ જશે. સાથોસાથ હાલ કોથળા ટીંગાડેલી જે ટીપરવાનો રાજમાર્ગો પર દોડતી દેખાય છે. તે બંધ જઇ જશે. કચરો એકત્રિત કરવા માટે આગામી ત્રણ મહિનામાં ટીપરવાનનો સ્ટાફ દરવાજા સુધી આવશે. જો કે, આ દરખાસ્તને લઇ સ્ટેન્ડિંગ કમિટી પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં ભારે હોબાળો થયો હતો.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016ની અમલવારી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા બાદ રાજકોટ મહાનગરપાલિકાની રાજ્યની એવી ચોથી મહાપાલિકા હશે. જે આ નવા નિયમની અમલવારી કરવા જઇ રહી છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેની હયાત સિસ્ટમમાં એજન્સીને આઠ શરત સાથે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. દરમિયાન હવે પછીની સિસ્ટમમાં 27 શરતો સાથેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં ત્રણેય ઝોનમાં ટીપીડી એમઆરએફ પ્લાન્ટ બનાવવા માટે રૂ.17.70 કરોડનો ખર્ચ આજરોજ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ ઝોનમાં વોર્ડ નં.4, 5, 15, 16 અને 18માં મિની ટીપરવાનોથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી અને ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ ઉપરાંત 150 ટીપીડીનો એમઆરએફ પ્લાન્ટ બનાવવાનું કામ તથા ઓએન્ડએમનો 10 વર્ષનો કોન્ટ્રાક્ટ મુંબઇની વેસ્ટર્ન ઇમેજીનરી ટ્રાન્સકોમ નામની કંપનીને આપવામાં આવ્યો છે. જ્યારે વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.1, 8, 9, 10, 11 તથા 12માં ગાર્બેજ કલેક્શન, ટીપીડીનો એમઆરએફ પ્લાન્ટ બનાવવા અને ઓપરેશન મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ આજ કંપનીને આપવામાં આવ્યો છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ થતા વોર્ડ નં.2, 3, 7, 13, 14 અને 17માં મિની ટીપર દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી, 150 ટીપીડીના એમઆરએફ પ્લાન્ટ બનાવવા અને 10 વર્ષનો ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ઓમ સ્વચ્છતા કોર્પોરેશનને આપવામાં આવ્યો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને સ્વચ્છતા વ્યવસ્થાની હયાત સિસ્ટમમાં આગામી ત્રણ મહિનામાં મોટો ફેરફાર થશે. હાલની વ્યવસ્થામાં માત્ર આઠ શરતો સાથે ટેન્ડર આપવામાં આવ્યું હતું. નવા કોન્ટ્રાક્ટમાં 27 શરતોનો સમાવેશ કરાયો છે. હાલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે તમામ ખર્ચની ગણતરી કરવામાં આવે તો વાર્ષિક 53 કરોડ જેવો થાય છે. નવી સિસ્ટમમાં આ ખર્ચ 111 કરોડનો થશે અને દર વર્ષે એજન્સીને પાંચ ટકાનો વધારો આપવામાં આવશે. મિની ટીપરવાનની સંખ્યામાં પણ વધારો થશે. હાલ જે 325 ટીપરવાન દોડી રહી છે. તે વધીને 573 થઇ જશે. સાથોસાથ તમામ ટીપરવાનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે. ટીપરવાનની ખરીદી એજન્સીએ કરવાની રહેશે અને દર 6 વર્ષે નવા ટીપરવાન ખરીદવા પડશે. શહેરની હદ કે વોર્ડમાં વધારો થાય, નવા બાંધકામ કે બિલ્ડીંગ બને તો વધારાના ટીપરવાન પણ એજન્સીએ રાખવાના રહેશે. હાલ એક જ કચરા પેટીમાં તમામ પ્રકારનો કચરો એકત્રિત કરવામાં આવે છે. નવી સિસ્ટમમાં કચરાને ચાર પ્રકારે વર્ગીકૃત કરવામાં આવશે. ટીપરવાનમાં પણ ચાર ભાગ રહેશે. શહેરીજનોને કચરાના વર્ગીકૃત માટે સમજણ આપવા માટે ત્રણ મહિના સુધી સર્વેની કામગીરી કરવામાં આવશે. સાથોસાથ જે ટીપીડી પ્લાન્ટમાં 40 ટકા કચરાનો નિકાલ કરવામાં આવશે. જેના કારણે કોર્પોરેશન પરથી ગાર્બેજ ટ્રાન્સફરના ખર્ચનું ભારણ પણ 40 ટકા જેટલું ઘટી જશે. નવી વ્યવસ્થામાં દરેક વોર્ડમાં ન્યૂસન્સ પોઇન્ટની દિવસમાં બે વખત સફાઇ કરવાની રહેશે. તેવી જોગવાઇ પણ ઉમેરવામાં આવી છે. હાલ ટીપરવાન શેરી-ગલ્લીમાં કોઇ એક જગ્યાએ ઉભી રહી જાય છે અને લોકોએ ત્યાં સુધી કચરો નાંખવા જવું પડે છે. નવી સિસ્ટમમાં ટીપરવાનનો સ્ટાફ ઘરઆંગણેથી ડસ્ટબીન લઇ ટીપરવાનમાં કચરાનો નિકાલ કરશે. સાથોસાથ કચરાના વર્ગીકરણ પર પણ પુરૂં ધ્યાન આપવાનું રહેશે. ન્યૂસન્સ પોઇન્ટની સફાઇ માટે 10 સફાઇ કામદારો અલગથી ફાળવવાના રહેશે.
ટીપરવાનમાં ભીના અને સુક્કા કચરા માટે બે અલગ-અલગ વિભાગો રાખવામાં આવશે અને બે બોક્સ હશે. જેમાં સેનેટરી અને જોખમી કચરાનો નિકાલ કરાશે. કોર્પોરેશન દ્વારા પ્રતિદિન પ્રતિમિનિટ ટીપરવાનનું ચુકવણું જીપીએસ બેઇઝ સોફ્ટવેર સિસ્ટમ આધારિત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાપાલિકા દ્વારા આ કામગીરી માટે સોફ્ટવેર સિસ્ટમ પોતાએ તૈયાર કર્યો છે. જ્યારે રાજકોટે આ સોફ્ટવેર તૈયાર કરવાની જવાબદારી એજન્સી પર મૂકી છે. જેના માટે કોઇ જ પ્રકારનો અલગથી ખર્ચ ચુકવવાનો થતો નથી. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને સફાઇ માટેની નવી સિસ્ટમ અમલમાં લાવવા માટે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો છે. જેમાં 1200 કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે.
હોર્ક્સ ઝોનમાં થડાંધારકો પર માસિક રૂ.500 સફાઇ ચાર્જ ઝીંકાયો
માસિક ભાડું રૂ.500થી વધારી રૂ.1500 કરવાનું હાલ રખાયું મોકૂફ
કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હોર્ક્સ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા 10 વર્ષથી ખૂબ જ મામૂલી ભાડું વસૂલવામાં આવે છે. હોર્ક્સ ઝોનમાં રજીસ્ટ્રેશન ફી અને માસિક ભાડાના દરો ઉપરાંત નિયમોમાં ફેરફાર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં હોર્ક્સ ઝોનમાં થડાંધારકો પાસેથી હાલ માસિક ભાડા પેટે રૂ.500 વસૂલ કરવામાં આવે છે. જે વધારીને રૂ.1500 કરવાની દરખાસ્ત હતી. સફાઇ ચાર્જ પેટે કોઇ જ રકમ વસૂલાતી નથી. જે 500 કરવાનું સૂચન કરાયું હતું. જ્યારે રજીસ્ટ્રેશન ફી રૂ.1000થી વધારી રૂ.2500 કરવાની દરખાસ્ત કરાય હતી. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હોર્ક્સ ઝોનમાં થડાંધારકો પાસેથી હાલ વસૂલવામાં આવતું રૂ.500નું ભાડું યથાવત રાખવામાં આવ્યું છે. જ્યારે સફાઇ ચાર્જ પેટે રૂ.500 વસૂલવાનો નિર્ણય કર્યો છે. રજીસ્ટ્રેશન ફીમાં પણ વધારો કરાયો છે. આ ઉપરાંત કેટલાંક નિયમોમાં પણ ફેરફાર કરાયો છે. એકવાર રજીસ્ટ્રેશન રદ્ થયા બાદ જો ફરી રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો રૂ.5000 ચાર્જ વસૂલ કરવામાં આવશે. સતત ત્રણ મહિના સુધી જો કોઇ થડાંધારક ભાડું ન ભરે તો તેનું રજીસ્ટ્રેશન રદ્ કરવામાં આવશે. 10 તારીખ સુધીમાં ભાડું ભરપાઇ નહિં કરનારની રેંકડી તથા કેબિનો જપ્ત કરી લેવામાં આવશે.
ત્રણેય ઝોનમાં ડામરના એક્શન પ્લાન મંજૂર: 97 કરોડના વિકાસ કામોને બહાલી
આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 53 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. જે પૈકી હોર્ક્સ ઝોનમાં રજીસ્ટ્રેશન અને માસિક ભાડાના નવા દરની દરખાસ્ત થોડા સુધારા-વધારા સાથે મંજૂર કરાય હતી. ત્રણેય ઝોનમાં ડામર એક્શન પ્લાનના કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે. ઝોન વાઇઝ 10-10 કરોડ મંજૂર કરાયા છે. બે વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. રોડ-રસ્તાના કામો માટે કુલ રૂ.32.99 કરોડ મંજૂર કરાયા છે. જેમાં સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોન માટે એક્શન પ્લાન અંતર્ગત રૂ.30 કરોડ મંજૂર કરાયા છે. જ્યારે વોર્ડ નં.3માં શાંતિનગર પાસે આવેલી એઇમ્સ હોસ્પિટલને જોડતા બ્રિજ પાસે ડીપી રોડ પર રસ્તાના કામ માટે રૂ.2.28 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. ડ્રેનેજ કામ માટે રૂ.4.15 કરોડ, પેવિંગ બ્લોકના કામ માટે રૂ.61.20 લાખ, વિવિધ કાર્યક્રમો માટે રૂ.3.31 કરોડ, ડીઆઇ પાઇપલાઇનના કામ માટે રૂ.2.18 કરોડ, સોલીડ વેસ્ટ માટે રૂ.17.70 કરોડ, લેબોરેટરી અને લાયબ્રેરીના બાંધકામ માટે રૂ.29 લાખ, નવી વોર્ડ ઓફિસ બનાવવા રૂ.30 લાખ, ઝૂ અને એનિમલ હોસ્ટેલ માટે રૂ.1.87 કરોડ, માઇનોર બ્રિજ બનાવવા રૂ.1.17 કરોડ, નવું ફાયર સ્ટેશન બનાવવા રૂ.23.24 કરોડ, મશિનરી ખરીદવા માટે રૂ.4 કરોડ, વોંકળાના કામો માટે રૂ.1.35 કરોડ, લાઇટીંગના કામ માટે રૂ.2.19 કરોડ અને કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૂ.95 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
હોમી દસ્તૂર માર્ગના છેડે રેલવેના નાલાનું કામ હવે આગળ ધપશે
રેલવે વિભાગને પ્રોજેક્ટ કોસ્ટની બાકી રકમ રૂ.1.18 કરોડ ચૂકવવાની દરખાસ્તને બહાલી
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા હેમુગઢવી હોલ અને એસ્ટ્રોન રેલવે નાલાની વચ્ચે હોમી દસ્તૂર માર્ગના છેડે રેલવે ટ્રેક નીચે નવું નાલુ બનાવવામાં આવી રહ્યું છે. આ કામનું બે વર્ષ પૂર્વે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. રેલવે વિભાગને કોર્પોરેશન દ્વારા રૂ.2.82 કરોડની ચુકવણી કરી દેવામાં આવી હતી. દરમિયાન કામ શરૂ કરાયા બાદ રેલવેએ વધારાની રૂ.1.18 કરોડની માંગણી કરી હતી અને આ રકમ ચૂકવ્યા બાદ જ નાલાનું કામ આગળ ધપાવવામાં આવશે. તેવું જણાવ્યું હતું. સતત બે વર્ષથી આ મુદ્ે રેલવે અને કોર્પોરેશન વચ્ચે રકઝક ચાલતી હતી. છેવટે કોર્પોરેશનને નમતું તોળી રેલવેને આ કામ માટે રૂ.1.18 કરોડ ચુકવવાનું નક્કી કર્યું હતું. જે ખર્ચ મંજૂર કરવા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાય હતી. જેને બહાલી આપવામાં આવી છે.
ત્રણ મહિના બાદ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની હયાત વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર આવશે
ન્યૂસન્સ પોઇન્ટ પણ નાબૂદ થશે, ટીપરવાનના માણસો દરવાજા સુધી આવી કચરો લઇ જશે