• ડેન્ગ્યૂના 16, ચિકનગુનિયાના બે, મેલેરિયાનો એક, ટાઇફોઇડના બે, શરદી-ઉધરસના 1286, સામાન્ય તાવના 1045 અને ઝાડા-ઉલ્ટીના 195 કેસ નોંધાયા: મચ્છરોની ઉત્પતિ સબબ 592 આસામીઓને નોટિસ

દિવાળીની સિઝન પછી પણ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જેના કારણે રોગચાળાએ માઝા મૂકી છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. ઘરે-ઘરે માંદગીના ખાટલા પડ્યા છે. ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાએ હાહાકાર મચાવ્યો દીધો છે. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનના તમામ પ્રયાસો જાણે નિષ્ફળ નિવડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાનો સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે ડેન્ગ્યૂના નવા 16 કેસ નોંધાયા હતા. આ સાથે ડેન્ગ્યૂના કેસનો આંક 347એ પહોંચી ગયો છે. ચિકનગુનિયાના નવા બે કેસ અને મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. શરદી-ઉધરસના 1286 કેસ, સામાન્ય તાવના 1045 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા-ઉલ્ટીના 195 કેસ મળી આવ્યા હતા. રોગચાળાની અટકાયત માટે કોર્પોરેશનની 360 ટીમો દ્વારા 77139 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાય હતી. જ્યારે 4089 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. બિન રહેણાંક હેતુની ન હોય તેવી 424 મિલકતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 120 સ્થળોએથી મચ્છરોના લારવા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે રહેણાંક હેતુની 472 મિલકતોમાં મચ્છરોના પોરા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી છે. સામાન્ય રીતે દિવાળીના તહેવાર પછી રોગચાળામાં ઘટાડો નોંધાતો હોય છે

પરંતુ આ વર્ષે દિવાળીના તહેવાર પછી પણ બેવડી સિઝનનો પ્રકોપ યથાવત રહેવાના કારણે રોગચાળાએ માઝા મૂકી છે. એક જ સપ્તાહમાં 2500થી વધુ કેસ મળી આવતા ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.