• મહેસૂલી સેવાઓને વધુ અસરકારક, પારદર્શક અને લોકભોગ્ય બનાવવા ગાંધીનગર ખાતે ફીડબેક સેન્ટર કાર્યરત: મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ
  • ફીડબેક સેન્ટર ખાતેથી iORA પોર્ટલની કુલ 36 મહેસૂલી સેવાઓ અંગે સામાન્ય નાગરિકોના નિયમિત પ્રતિભાવ મેળવીને તેનું વિશ્લેષણ કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની “વિકસિત ભારત@2047”ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વિભાગ ખાતે એક “ફીડબેક સેન્ટર”નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફીડબેક સેન્ટરનો તાજેતરમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ ફીડબેક સેન્ટર અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 23 વર્ષના પરિપાકરૂપે મહેસૂલ વિભાગ દ્વારા iORA ના માધ્યમથી મહેસૂલી સેવાનો લાભ મેળવેલ નાગરિકો પાસેથી તેમનો પ્રતિભાવ મેળવવા માટે મહેસૂલ વિભાગ ખાતે આ ફીડબેક સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, આ ફીડબેક સેન્ટર ખાતે નિયુક્ત કરાયેલા મહેસૂલમિત્ર દ્વારા હાલ iORA પોર્ટલ પરથી અરજી કરવામાં આવેલ અને જેનો નિકાલ થયેલ હોય તેવી બિન-ખેતીની અરજી, હયાતિમાં હક્ક દાખલ કરવાની અરજી, વારસાઇની અરજી અને ખેડૂત પ્રમાણપત્રની અરજી સહિતની કુલ 36 સેવાઓ મેળવવા બાબતે નાગરિકોનો પ્રતિભાવ મેળવવામાં આવી રહ્યો છે. સાથે જ, iORA પોર્ટલ ઉપર અરજી કરતાં સમયે અરજદારોને પડેલ મુશ્કેલીઓનું નિરાકરણ થાય તે માટે સાચા અર્થમાં આ સેવાઓમાં સુધારો કરવાનો પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, iORA પોર્ટલ મારફતે મળેલી અરજીઓ અન્વયે નાગરિકોના નિયમિત પ્રતિભાવ મેળવ્યા બાદ મળેલ પ્રતિભાવના વિશ્લેષણ થકી, સેવાઓને વધુ અસરકારક અને પારદર્શી બનાવવામાં આવશે. આવશ્યક જણાય ત્યાં સેવાઓનું સરળીકરણ કરી નાગરીકોને ત્વરિત સેવાઓનો લાભ મળી રહે તે દિશામાં આગળ વધવામાં આવશે. સેવાઓમાં પારદર્શકતા લાવવામાં આવશે અને નાગરીક સાથે સંવાદ કરી મહેસૂલી પ્રશ્નોની ઓળખ કરીને તેનો હકારાત્મક નિકાલ લાવવા માટેના પણ પ્રયત્નો આ ફીડબેક સેન્ટરના માધ્યમથી કરવામાં આવશે.

મહેસૂલી સેવાઓ મેળવવા બાબતે પ્રાપ્ત થયેલા નિયમિત પ્રતિસાદથી છેવાડાના નાગરિકની વ્યથાને સમજીને તેના નિરાકરણરુપે એક પારદર્શક અને ઉત્તરદાયી સરકારના ઘડતર માટે આ સેવાઓ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, તેમ ડૉ. જયંતી રવિએ ઉમેર્યું હતું.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.