- 6 માળના ફાયર સ્ટેશનમાં સ્ટાફ માટે ટુ અને થ્રી બેડ હોલ કિચનના ક્વાર્ટર પર બનશે
રાજકોટના વ્યાપ અને વસતીમાં સતત વધારો થઇ રહ્યો છે. કોર્પોરેશન દ્વારા શહેરીજનોની સુખાકારી માટે સતત વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. શહેરના વોર્ડ નં.11માં મવડી વિસ્તારમાં સેક્ધડ રિંગ રોડ પર રૂ.23.24 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જેના માટે ખર્ચ મંજૂરી અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન દ્વારા શહેરના વોર્ડ નં.11માં ટીપી સ્કિમ નં.28 (મવડી)ના ફાઇનલ પ્લોટ નં.26 (એ) નવા 150 ફૂટ રીંગ રોડ પર ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર બનાવવા માટે રૂ.20.45 કરોડના એસ્ટીમેન્ટ અને 18 ટકા જીએસટી સાથે 24.14 કરોડનું એસ્ટીમેન્ટ મંજૂર કરી ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. જેમાં બેઝમેન્ટમાં પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર તથા મેઝેનાઇલ ફ્લોરમાં ફાયર સ્ટેશન, ક્ધટ્રોલ રૂમ, સ્ટોરરૂમ, ટોયલેટ બ્લોક, ફર્સ્ટ ફ્લોરમાં એડમીનીસ્ટ્રેટીવ ઓફિસ તથા ત્રણ બેડ રૂમ, હોલ-કીચન સહિત સ્ટાફ ક્વાર્ટર બીજા માળેથી લઇ છઠ્ઠા માળ સુધી બે બેડ રૂમ, હોલ કીચન સહિતની સુવિધા સાથે સ્ટાફ ક્વાર્ટર બનાવવા સહિત કુલ 3386.20 ચોરસ મીટર પ્લોટ એરિયામાં આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર બાંધકામનો સમાવેશ થતો હતો. આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કુલ ચાર એજન્સીઓની બીડ આવી હતી. જેમાં બેકબોન ક્ધસ્ટ્રક્શન પ્રાઇવેટ લીમીટેડ દ્વારા નિયત સમય મર્યાદા બાદ ફિઝીકલ ડોક્યુમેન્ટ જમા કરાવવામાં આવ્યા હોય ત્રણ એજન્સીઓ ટેન્ડરની જોગવાઇ મુજબ ક્વોલીફાઇ થઇ હતી. જેમાં મેસર્સ બીજે ઓડેદરાએ આ કામ 3.72 ટકા ઓછા ભાવે કરી આપવાની ઓફર આપી હતી. મૂળ કામના રૂ.19.70 કરોડ અને જીએસટીના રૂ.3.54 કરોડ સહિત 23.24 કરોડ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
વોર્ડ નં.11માં નવા 150 ફૂટ રીંગ રોડ પર મવડી વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બનવાથી અંદાજે 30,000 લોકોને ફાયદો થશે.
કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 53 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલિકામાં કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં અલગ-અલગ 53 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારની 14 આવાસ યોજનાના કમ્પાઉન્ડમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગનું કામ કરવા તથા પેવિંગ બ્લોક નાંખવા, શાંતિનગર પાસે એઇમ્સ જોડતા બ્રિજ પાસે ડીપીના રસ્તાની બંને બાજુ પિચીંગ કરવા, પ્રદ્યુમન પાર્કમાં મુલાકાતીઓ માટેનો રોડ પહોળો કરવા, લાયન સફારી પાર્કમાં નાઇટ સેલ્ડર તથા ચેકડેમ બનાવવા, વોર્ડ નં.5માં મંચ્છાનગર વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક અને ઇએસઆર બનાવવા, રાંદરડા તળાવના ડુબાણમાં આવતી કમ્પાઉન્ડ દિવાલને આરસીસી કરવા, વોર્ડ નં.2માં તાર ઓફિસ પાસેનો વોંકળો પાક્કો કરવા, વેસ્ટ ઝોન વિસ્તારમાં કોર્પોરેશનની બિલ્ડીંગોમાં ફાયર સિસ્ટમ લગાવવા, વોર્ડ નં.3માં બેડીનાકા ખાતે નવી વોર્ડ ઓફિસ બનાવવા અને મનહરપુર વિસ્તારમાં નવી લાયબ્રેરીનું નિર્માણ કરવા, આતશબાજીનું તથા દિવાળી કાર્નિવલનો ખર્ચ મંજૂર કરવા, હેમુગઢવી હોલ તેમજ એસ્ટ્રોન નાલાની વચ્ચે હોમીદસ્તૂર માર્ગના છેડે નવા નાલા બનાવવા માટે રેલવે વિભાગને પ્રોજેક્ટ પોસ્ટની વધારાની ડીપોઝીટ આપવા, હોકર્સ ઝોનના રજીસ્ટ્રેશન તથા માસિક ભાડાના દર અને નિયમો રિવાઇઝ્ડ કરવા સહિતની 53 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.