• મગફળી ભરેલા 900થી વધુ વાહનોના થપ્પા લાગ્યા

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો દ્વારા વાહનોની લાંબી કતાર લગાવી છે, અને બે દિવસથી મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગી ગયા છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીના ખૂબ જ ઊંચા ભાવ બોલાતા હોવાના કારણે ખેડૂતો પોતાના વાહનો સાથે હાપા માર્કેટિંગ યાર્ડ માં આવે છે, અને યાર્ડની બહાર આશરે 850 થી પણ વધુ મગફળી ભરેલા ટ્રક, ટેમ્પો,બોલેરો,ટ્રેકટર,રીક્ષા છકડા સહિતના વાહનોની કતાર લાગી ગઈ છે.

ખેડૂતો પોતાના વાહનો લઈને 24 થી 48 કલાક સુધી મગફળીના વેચાણ માટે કતાર બંધ રાહમાં ઊભા રહે છે, જ્યારે માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા તમામ ખેડૂતોને ટોકન આપી દેવામાં આવે છે, જે ટોકરના આધારે ખેડૂતો ક્રમશ: પોતાના વાહનોને માર્કેટિંગ યાર્ડમાં આવ્યા પછી તેની હરાજી ની પ્રક્રિયા થાય છે.

હાપા યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો જામનગર અને સૌરાષ્ટ્રમાંથી આવે છે, એટલું જ માત્ર નહીં પરંતુ હાલાર પંથકની મગફળી ની ખૂબ જ સારી જાત હોવાના કારણે છેક તામિલનાડુથી વેપારીઓ અહીં મગફળીની ખરીદી અર્થે આવતા હોય છે, જેના લીધે સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગરના હાપા યાર્ડમાં મગફળી નો ખૂબ જ ઊંચો ભાવ બોલાતો હોવાથી ખેડૂતો પણ આકર્ષાય છે, અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સિવાય રાજકોટ, મોરબી, અમરેલી વિસ્તારના જુદાજુદા તાલુકા મથકો માથી પણ ખેડૂતો પોતાની મગફળી લઈને અહીં વેચાણ અર્થે આવતા હોય છે, જેના કારણે વાહનોની મોટી કતાર લાગી ગઈ છે.

લાભ પાંચમના સૌ પ્રથમ મગફળીની ખરીદી શરૂ થઈ હતી, અને યાર્ડને ખુલ્લું મુકાયું હતું, પરંતુ એક જ દિવસમાં યાર્ડ સંપૂર્ણપણે ભરાઈ ગયું હોવાથી મગફળી લઈને આવવા માટે ખેડૂતો પર રોક લગાવવામાં આવી હતી.પરંતુ આજે સોમવારથી ફરીથી નવી મગફળીની હરાજીની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવનાર હોવાથી ખેડૂતો બે દિવસ અગાઉથી જ હાપા માર્કેટિંગ યાર્ડના દ્વારે કતાર બંધ ગોઠવાયા છે, જેના કારણે વાહનોના થપ્પા જોવા મળ્યા હતા.

900 વાહનની મગફળી ઉતરાય થાય તેવી વ્યવસ્થા: સેક્રેટરી હિતેશ પટેલ

‘અબતક’ સાથેની વાતચીતમાં હાપા માકેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઇ પટેલએ જણાવ્યું હતું કે, જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડુતો દ્વારા વાહનોની લાંબી કતાર લાગી છે. ત્યારે આજે સવારે 600 વાહનો ની મગફળીની ઉતરાય કરવામાં આવી છે. તેમાંથી 80,000 ગુણીની આવક થઇ છે અને 900 વાહનની મગફળીની ઉતરાય થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ખાસ કરી હાપા યાર્ડમાં તાલીમનાડુથી વેપારી મગફળીની ખરીદી કરવા આવે છે. ઇતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડ આવક થઇ છે. ખાસ કરી અત્યારે દેશી મગફળીના 900 થી 1250 અને નવ નંબર મગફળી 1400 થી 1900 અને 67 નં. 2400 રૂપિયા ભાવ મળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.