એઇમ્સ રાજકોટ દ્વારા વાંકાનેરમાં યોજાયો નિ:શુલ્ક સર્વરોગ નિદાન મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું વાંકાનેર સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાના પ્રયાસો અને એઇમ્સ રાજકોટના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
એઇમ્સ હોસ્પિટલ રાજકોટ દ્વારા સૌ પ્રથમ વખત મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ફ્રી હેલ્થ ચેકઅપ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેર તાલુકાના સિવિલ હોસ્પિટલ ખાતે સર્વરોગ ફ્રી મેગા કેમ્પ રવિવાર તા-10-11-2024 ના રોજ યોજાયો હતો. જેમાં કેમ્પને ખુબ જ સરળ અને સફળ બનાવવા કેમ્પ કો-ઓડીનેટર એઇમ્સ હોસ્પિટલના ડો.ઉત્સવ પારેખની મહત્વની ભૂમિકા રહી હતી. ગુજરાતની ગૌરવસમાન એઇમ્સ હોસ્પિટલના નિષ્ણાંત 51 થી વધુ ડોક્ટરો સાથે ટોટલ એઇમ્સ હોસ્પિટલના 90થી વધુ કર્મચારીઓએ સેવા આપી હતી.
જેમાં જનરલ મેડિસિન હાડકા, ફેફસા, કાન-નાક-ગળાના ડોક્ટરો તેમજ કેન્સર, આંખના ડોક્ટરો અને બાળરોગ, સ્ત્રીરોગ, સર્જરી વિભાગ, ચામડી, દાંત વિભાગ તેમજ એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાંત ડોક્ટરો સેવામાં હાજર રહ્યા હતા. સાથે જ દર્દીઓને કેમ્પમાં લેબોરેટરી તેમજ એક્સ-રે ની સુવિધાઓ મળી રહે તે માટે એઇમ્સ હોસ્પિટલના લેબોરેટરી માઈક્રોબાયોલોજી, પેથોલોજી, બાયોકેમિસ્ટ્રી વિભાગ પણ જોડાયો હતો. એઇમ્સ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો દ્વારા દર્દીઓનું વિનામૂલ્યે સેવા સાથે નિદાન કરવામાં આવ્યું તેમાં મોરબી જિલ્લાના મહા મેડિકલ કેમ્પમાં રેકોર્ડબ્રેક 3000થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.
કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ એઇમ્સ તરફથી ડેપ્યુટી ડાયરેક્ટર ડો.કુલદીપ અને વાંકાનેર સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા તેમજ જિલ્લાના ધારાસભ્યઓ અને કલેક્ટર સહીત અનેક મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ બી. પટેલ, કેન્દ્રની રેલવે કમીટી મેમ્બર પ્રદિપભાઇ કે. મહેતા, જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, કલેક્ટર કે.બી.ઝવેરી, ટંકારાના ધારાસભ્ય દુલ્લભજીભાઇ દેથરીયા, ડી.ડી.ઓ. પ્રજાપતિ, જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, જીલ્લા આરોગ્ય અધિકારી ડી.વી. મહેતા, પ્રાંત અધિકારી ડો.વી.ડી.સાકરીયા તથા વિવિધ સામાજીક સંસ્થાના અગ્રણીઓ, દાતાઓ, કાર્યકરો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મેગા કેમ્પને સફળ બનાવવામાં એઈમ્સ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત ડોક્ટરો તથા સરકારી હોસ્પિટલ વાંકાનેર, ઈન્ડીયન મેડીકલ એશોસીએશન વાંકાનેર, લેબોરેટરી એશોસીએશન વાંકાનેર, રોગી કલ્યાણ સમિતિ સિવિલ હોસ્પિટલ વાંકાનેર અને તેમની ટીમ, મોરબી જિલ્લા તેમજ વાંકાનેર તાલુકા સરકારી તંત્ર, વિવિધ સામાજીક સંસ્થાઓ, દાતાઓ અને વાંકાનેર શહેર તેમજ તાલુકા ભાજપના અનેક કાર્યકરોએ તનતોડ મહેનત કરેલ છે. ત્યારે આ પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.