• લગ્નની લાલચ આપી 16 વર્ષની કિશોરીને હવસની શિકાર બનાવી‘તી

જામનગર જિલ્લાની 16 વર્ષીય એક સગીરાને લગ્નની લાલચ આપી આરોપીએ તેણીની સાથે દુષ્કર્મ ગુજારતાં સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જેથી પીડિતા અને તેણીના પિતાએ ગર્ભપાત કરાવવા હાઈકોર્ટમાં મંજૂરી માંગી હતી. જેમાં હાઈકોર્ટએ જી. જી. હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ પાસેથી રીપોર્ટ મંગાવ્યા બાદ ગત્ તા. 04-11-ર0ર4ના રોજ સગીરાની ઉંમર નાની હોય, જેથી સગીરાની ગર્ભાવસ્થા ચાલુ રાખવી હિતાવહ ન જણાતાં તેમજ ગર્ભપાત શક્ય હોવાનું જણાયું હતું. આથી હાઈકોર્ટએ રિપોર્ટના અભિપ્રાયને ધ્યાને લઈ પીડિતાને ગર્ભપાત કરાવવા મંજૂરી આપી હતી.

જામનગર જિલ્લાની દુષ્કર્મનો ભોગ બનેલી અને 24 સપ્તાહ અને 6 દિવસના ગર્ભ ધરાવતી માત્ર 16 વર્ષીય સગીરાને ગર્ભપાત કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. પીડિતાની ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેના માટે માનસિક અને શારીરિક રીતે બહુ નુકશાનકારક અને સામાજિક દ્રષ્ટિકોણથી પણ કુઠારાઘાત સમાન બની રહેવા અંગેના રિપોર્ટ અને તથ્યોને ધ્યાને લઇ જસ્ટિસ સંજીવ ઠાકરે જામનગરની જી. જી. હોસ્પિટલના વ્યવસ્થાપકોને પીડિતાના ગર્ભપાત માટેની તમામ વ્યવસ્થા કરવા હુકમ કરી તેણીના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી હતી.

હાઇકોર્ટે ગર્ભપાત અંગેના તેના અભિપ્રાય આપવા બાબતે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનર્સ અને મેડિકલ બોર્ડ માટે મહત્ત્વની માર્ગદર્શિકા પણ જારી કરી હતી. જે મુજબ, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનર કે મેડિકલ બોર્ડે એમટીપી એકટની કલમ-3(2) હેઠળના માપદંડો સુધી તેમના અભિપ્રાયને મર્યાદિત કરવો જોઇએ નહી, પરંતુ પીડિતાના શારીરિક અને ભાવનાત્મક સુખાકારીનું પણ મૂલ્યાંકન કરવુ જોઇએ. વધુમાં, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટીશનર કે મેડિકલ બોર્ડે તેના રિપોર્ટમાં જેના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી માંગવામાં આવી, તે પીડિતા, સગીરા કે સગર્ભા સ્ત્રીને ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી સંપૂર્ણ મુદત સુધી તેની શારીરિક-માનસિક સ્થિતિને શું અસરો કરશે, તે બાબતે પણ તેમનો અભિપ્રાય જણાવવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.