- ગોંડલ નગરીને નવી દુલ્હનની જેમ શણગારાય: ભવ્ય લોક ડાયરો ઉપરાંત પચ્ચીસ હજારથી વધુ લોકો માટે સમૂહ પ્રસાદની વ્યવસ્થા
ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા તથા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા ગણેશભાઈ જાડેજા પરીવાર દ્વારા ભગવાનશ્રી ઠાકોરજી (શાલીગ્રામ) વિવાહ નો અલૌકિક અવસર તા.12 મંગળવારનાં યોજાનાર છે.તુલશી વિવાહનાં ગોંડલમાં ઐતિહાસિક અને અજોડ વિવાહ માં મુખ્યમંત્રી સહિત કેબીનેટ મંત્રીઓ સહિત સંતો મહંતો મહેમાન થનારા હોય અનેરો માહોલ સર્જાયો છે.
આ પ્રસંગે તા.12 સાંજે ચાર કલાકે વાછરા ગામથી શાલીગ્રામ ભગવાન ની જાન નું આગમન થશે. કોલેજચોક થી શણગારેલા હાથી, ઘોડા, ઉંટ, બગી અને રથ,ભજન તથા રાસ મંડળીઓ અને હજારો લોકોની હાજરી સાથે જાન આશાપુરા રોડ,અક્ષરધામ સોસાયટી સ્થિત ધારાસભ્યનાં નિવાસસ્થાન ‘ગીતાવીલા’ ખાતે પંહોચશે. જ્યાં સાંજે 6:30 કલાકે હસ્તમેળાપ સાથે શાલીગ્રામ ભગવાન અને ભગવતી તુલશીમાતાનો વિવાહ ધામધૂમપૂર્વક સંપન્ન થશે. તુલશીમાતા નાં માવતર ધારાસભ્યનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)તથા તેમના ધર્મપત્ની રાજલક્ષ્મીબા બન્યાં છે.
જયરાજસિહ પરીવાર દ્વારા જ્યારે ઐતિહાસિક લગ્નોત્સવ ઉત્સવ ઉજવાયી રહ્યો છે ત્યારે કોલેજચોક, સંગ્રામસિંહ હાઈસ્કૂલ મેદાન તથા કોલેજચોકથી ધારાસભ્યનાં નિવાસસ્થાન સુધીનો રાજમાર્ગને રંગબેરંગી રોશની તથા આકર્ષક કમાનોથી શણગાર કરાયો છે.
બીજી બાજુ સમસ્ત વાછરા ગામ જાનૈયા બની ગોંડલ આવશે. શાલીગ્રામ ભગવાનની જાન વાછરા રામજીમંદિરેથી બપોરે અઢી ત્રણ કલાકે પ્રસ્થાન થશે. જાનમાં અંદાજે ચાર હજાર લોકો હરખભેર જાનૈયા બનશે. વાછરાનાં સરપંચ ભરતભાઇ ચોથાણી તથા ભરતભાઇ ગમારા શાલીગ્રામ ભગવાનનાં માવતર બન્યા છે. તા.12 મંગળવાર બપોરે તુલશીવિવાહને અનુલક્ષીને વાછરા, ખાંડાધાર અને ઘોઘાવદર ગામનો ધુમાડાબંધ ભોજન સમારોહ વાછરા રખાયો છે. તુલશીવિવાહમાં જ્યારે વાછરા થી જાન જનારી હોય ગામનાં રામજીમંદિર ચોક અને બજારોને આકર્ષક કમાનો અને રોશનીથી શણગાર કરાયો છે. લગ્નોત્સવ ને લઈને આજે સોમવારે રાત્રે આઠ કલાકે વાછરા રામજીમંદિર ચોકમાં મોડી રાત સુધી રાસની રમજટ બોલશે.
ગોંડલ ગીતાવીલા ખાતે વિવાહ સંપ્પન થયા બાદ રીવર સાઇડ પેલેસ ખાતે ભોજન સમારોહનું આયોજન કરાયુ છે. જેમા અંદાજે પચ્ચીસ હજાર લોકો ભોજન લેશે તેવો અંદાજ છે. આ પ્રસંગે રાત્રે કોલેજચોક, સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં લોકડાયરાનું આયોજન કરાયું છે.
લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબીનેટ મંત્રીઓ કુવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા,રાઘવજીભાઇ પટેલ, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત સરકારનાં ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ પરસોતમભાઈ રુપાલા, પુનમબેન માડમ, રામભાઈ મોકરીયા સહિત ઉપસ્થિત રહી જાનનાં પ્રોશેસનમાં જોડાનાર છે. અજોડ કહી શકાય તેવા લગ્નોત્સવને સફળ બનાવવાં આયોજનનાં ‘માસ્ટર’ ગણાતાં અગ્રણી અશોકભાઈ પીપળીયાની આગેવાની હેઠળ ભાજપ શહેર પ્રમુખ ઉપેન્દ્રસિંહ (પિન્ટુભાઈ)ચુડાસમા, પ્રફુલભાઈ ટોળીયા,સમીરભાઈ કોટડીયા સહિત હજારો કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.ગોંડલમાં પ્રથમવાર જ તુલશીવિવાહનું ભવ્ય અને અદકેરું આયોજન કરાયુ હોય શહેરભરમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.