ગુજરાતનો પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક વનસંપાદાનો ભંડાર એટલે ડાંગ જિલ્લો. અહી સાગ, સાદડ, સિસમ, અને વાંસના ગાઢ જંગલોની સાથે, અહીંના મુખ્ય પાકો એવા ડાંગર, રાગી, વરઈ, અડદ, તુવેર, ખરસાણી, મગફળી વિગેરેનું વાવેતર કરવામાં આવે છે. મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતા આ ડુંગરાળ વિસ્તારમાં, ખુબ જ ઓછા રાસાયણિક ખાતરો, અને જંતુનાશક દવાઓનો વપરાશ થતો આવ્યો છે. જેથી આ વિસ્તારમાં ઘણી બધી ખેત પેદાશો, પ્રાકૃતિક રીતે જ ઉત્પન્ન થાય છે. આમ, આ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવો ખુબ જ સરળ, અને સહજ છે.
જે ધ્યાને લેતા અહીંના જે મર્યાદિત ખેડૂતો, રાસાયણિક ખેતી કરી રહ્યા છે તેમને, પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં વાળવા માટે, અને પ્રથમ તબક્કે થોડું ઘણું પ્રોત્સાહન આ જિલ્લાને આપવા માટે ‘સંપુર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લો’ અભિયાન અંતર્ગત, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે નાણાકીય સહાય આપવાની, તથા ઉપજોનું સર્ટીફિકેશન અને વેચાણ વ્યવસ્થા સબળ બને તે માટે, આર્થિક સહાય માટે રૂ. 3151.00 લાખની યોજનાને, સરકારશ્રીએ ‘નવી બાબત’ તરીકે વહીવટી મંજુરી આપી છે. વર્ષ 2021-22માં ડાંગ જિલ્લાને સંપુર્ણ રસાયણમુક્ત જિલ્લો બનાવવા માટે રાજ્ય સરકારે “સંપુર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લો’ અભિયાન અંતર્ગત, ‘પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને નાણાકીય સહાય’ નામની યોજના, માત્ર ડાંગ જિલ્લા માટે શરૂ કરી છે.
જે અંતર્ગત જિલ્લાના તમામ ખેડુતોને, આ યોજનાની જાણકારી આપવા અને તેઓ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે, જિલ્લાની તે વખતની તમામ 70 ગ્રામ પંચાયતોમાં તારીખ 1લી મે 2023 પછી કુલ 423 તાલીમોથી જિલ્લાના કુલ 15 હજાર 777 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2024-25 દરમ્યાન જિલ્લાની તમામ 100 ગ્રામ પંચાયતોમાં (20 ક્લસ્ટર) તારીખ 1લી જૂન 2024 પછી કુલ 171 તાલીમોથી જિલ્લાના 4 હજાર 542 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતીનું મહત્વ પ્રકૃતિના મૂળભુત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી એ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ગણાય છે. પાકની વૃદ્ધિ માટે જરુરી ઈનપુટ અને ખેત સામગ્રી બહારથી ન લેતાં પ્રાકૃતિક સામગ્રી ઘરે જાતે જ બનાવવામાં આવે છે.
પ્રાકૃતિક કૃષિ કરવાથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર જમીનમાં ખેતી થઈ શકે છે. જેમાં નહીવત ઉત્પાદન ખર્ચ આવે છે અને બજારમાં વધારે ભાવ મળે છે. તેમજ પાણીની બચત થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય છે. તમારા ગામ અને દેશમાં સ્વાવલંબનનું નિર્માણ કરી શકાય છે. જે આપણા મહાન સ્વતંત્ર સેનાની અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આત્મનિર્ભર ભારતના વિચારોને આગળ વધારે છે. પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ છે. જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક દવાઓ. આનો યોગ્ય અને વ્યવસ્થિત, સંકલિત ઉપયોગ પર્યાવરણને બચાવવા માટે ઉપયોગી નીવડશે.