• ઘટનાથી ઉશ્કેરાયેલી મહિલાઓએ પોલીસ અધિકારીઓને ઘેરી લીધા
  • બાળકના પિતાએ અલથાણ પોલીસ મથકમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવી
  • પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં સુધર્મભવન SMC આવાસમાં રહેતા એક કારચાલકે ત્યાં જ વસવાટ કરતા માત્ર બે વર્ષના માસુમ બાળકને કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાથી ઉશ્કેરાયેલી મહિલાઓએ પોલીસ અધિકારીઓને ઘેરી લીધા હતાં.અને કારચાલક સામે કાર્યવાહીની માંગ કરી હતી. બનાવને પગલે બાળકના પિતાએ અલથાણ પોલીસ મથકમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આ અંગે મળતી વિગત અનુસાર, મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની 32 વર્ષીય સૂરજ અમિચંદ ભટ્ટ પરિવાર સાથે સુરતના અલથાણ વિસ્તારના સુધર્મભવન એસએમસી આવાસમાં રહે છે. સૂરજ અમિચંદ ભટ્ટનો બે વર્ષનો દીકરો પ્રીત ભટ્ટ ગત તા. 6 નવેમ્બરના રોજ સાંજે પાંચથી સવા પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન એસએમસી આવાસની બી બિલ્ડિંગની સામે તથા આંગણવાડીની બાજુમાં રમતો હતો. આ દરમિયાન કાર ચાલક મુકેશ દેવીદાસ પેંધારકર જે સુધર્મભવન એસએમસી આવાસ અલથાણમાં રહે છે. તે કાર લઈને પૂરપાડ ઝડપે આવાસમાંથી પસાર થયા હતા અને આંગણવાડી પાસે રમતા પ્રીત ભટ્ટને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાળકના માથા પર કારનું ટાયર ફરી વળતા માથું ચગદાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ચાલક કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ પણ સ્થળે દોડી આવી હતી. આ સમયે રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ પોલીસ અધિકારીને ઘેરી ઉધડો લીધો હતો. જે બાદ મૃતક બાળકના પિતાની ફરિયાદના આધારે કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.