- ભારતમાં પાંચ વર્ષમાં સૌથી વધુ સ્વાઈન ફ્લૂના કેસ આ વર્ષે નોંધાયા: ગુજરાતનો અગ્રેસર પાંચ રાજ્યોમાં સમાવેશ
સ્વાઈન ફ્લૂ એક એવી બીમારી જેણે છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં કાળો કેર વર્તાયો છે. આ એક પ્રકારનો સંક્રામક રોગ છે. આ રોગ એન્ફ્લૂએન્ઝા વાયરસને કારણે થાય છે. આ પ્રકારનો વાયરસ મોટાભાગે ભુંડમાં જોવા મળતો હોય છે જેથી આને સ્વાઈન ફ્લૂ કહેવાય છે. ખાસ કરીને કોરોના બાદ સ્વાઇન ફ્લૂના કેસોમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે.
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, ભારતમાં પાંચ વર્ષમાં સૌથી વધુ સ્વાઈન ફ્લૂ(ઇં1ગ1)ના કેસ નોંધાયા છે, જેમાં ગુજરાત ગંભીર રીતે અસરગ્રસ્ત પાંચ રાજ્યોમાંના એક તરીકે ઉભરી રહ્યું છે. રાજ્યમાં આ વર્ષે 31 ઑગસ્ટ સુધી સ્વાઇન ફ્લુના 1,296 કેસ અને 33 મૃત્યુ નોંધાયા છે. કેસો અને જાનહાનિ બંનેની દ્રષ્ટિએ 2020 પછી બીજા ક્રમની સૌથી વધુ સંખ્યા છે.
શહેર સ્થિત ક્રિટિકલ કેર નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઓગસ્ટ પછી સ્વાઇન ફ્લુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કે ડી હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. જીગર મહેતાએ જણાવ્યું હતું કે સ્વાઇન ફ્લૂના ગંભીર કેસોની સંખ્યા પ્રમાણમાં ઓછી રહે છે, ત્યારે અમુક દર્દીઓને ફેફસામાં ચેપ અને તીવ્ર શ્વાસોચ્છવાસની તકલીફના સિન્ડ્રોમ જોવા મળે છે. જેને લઇને આઈસીયુમાં અને વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડે છે.
ડો મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે બહુવિધ પરિબળોને કારણે છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં સ્વાઇન ફ્લૂના કેસોની સંખ્યા વધુ જોવા મળી છે. ઘણા કિસ્સાઓમાં, સ્વાઇન ફ્લૂ ચેપની પુષ્ટિ દર્દી રોગ લાગુ પડી ગયા બાદ થાય છે. લાંબા સમય સુધી ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા ગંભીર લક્ષણો સાથે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એપોલો હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન નિષ્ણાત ડો. મહર્ષિ દેસાઈએ જણાવ્યું હતું કે નોંધાયેલા કેસોની વાસ્તવિક સંખ્યા સમુદાયમાં બનતા કેસોની સંખ્યા કરતાં ઓછી હોઈ શકે છે. “આ ઘટનાનું કારણ એ છે કે આ વર્ષે અમે ઉચ્ચ તાવના કેસો જોયા છે, અને તાવ બહુવિધ પરિબળોને કારણે આવે છે. આમ, જ્યાં સુધી લક્ષણો વધે નહીં ત્યાં સુધી સ્વાઇન ફ્લૂના ચેપને ઓળખવા માટે ચોક્કસ પરીક્ષણો કરવામાં આવતાં નથી. તેથી, તે સંભવિત છે કે હળવા લક્ષણોવાળા કેસો રેકોર્ડમાં ઉમેરવામાં આવ્યા ન હોય.
સ્વાઇન ફ્લૂ સાથે સંકળાયેલા કેટલાક લક્ષણોમાં વધુ પડતો તાવ, લાંબા સમય સુધી થયેલ ખાંસી, શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો, શરદી, થાક અને ઝાડા વગેરેનો સમાવેશ થાય છે. જો દર્દીને ન્યુમોનિયા, એઆરડીએસ અને પલ્મોનરી ડિસીઝ થાય તો તેની સ્વાસ્થ્યની સ્થિતિ ગંભીર બને છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
સાત વર્ષના સમયગાળાનું વિશ્લેષણ દર્શાવે છે કે 2019 માં ગુજરાતમાં સૌથી વધુ 151 મૃત્યુ નોંધાયા હતા, જ્યારે 2018 માં 97 મૃત્યુ અને 2022 માં 71 મૃત્યુ નોંધાયા હતા. 2018 અને આ વર્ષે ઓગસ્ટની વચ્ચે, રાજ્યમાં 10,700 સ્વાઇન ફલુના કેસ અને 359 મૃત્યુ નોંધાયા છે, જેના પરિણામે મૃત્યુદર 3.3% નોંધાયો છે. જેની સરખામણીમાં, 2024માં મૃત્યુદરમાં 2.5% નો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર 2018 થી 995ના મૃત્યુ આંક સાથે યાદીમાં ટોચ પર છે, જ્યારે રાજસ્થાનમાં 454 મૃત્યુ, અને ગુજરાતમાં 359 મૃત્યુ નોંધાયા છે.