અમરેલી જિલ્લાના પાડરસિંગા ગામમાં અનોખી ઘટના સામે આવી છે. આ ગામના એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપી હતી. આ દરમિયાન વિધિ-વિધાનથી પૂજા-પાઠ કરવામાં આવ્યા હતા અને આખા ગામમાં ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાધુ-સંતોની હાજરીમાં ખાડો ખોદીને કારને દફનાવવામાં આવી હતી.
ખેડૂતે કારને સમાધિ આપી
અત્યાર સુધી તમે સાધુ-સંતો કે કેટલાક સમુદાયોમાં સમાધિ આપવાની વાતો તો સાંભળી હશે પરંતુ ચોકવનારી વાત એ છે કે અમરેલી જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે. ત્યારે અમરેલીના લાઠી તાલુકાના પાડરસિંગા ગામમાં ખેડૂત સંજય પોલરાએ પોતાની જૂની કારને સમાધિ આપીને એક સ્મારક બનાવડાવ્યું છે.
ઢોલ-નગારા સાથે ગામના લોકો જોડાયા
અમરેલીના લાઠી તાલુકાના પાડરસિંગા ગામના લોકો ઢોલ-નગારા અને DJ વગાડી રહ્યાં હતા. તેમજ ખેડૂત સંજય પોલરાની જૂની કારને ફૂલોથી સજાવવામાં આવી હતી. આ દરમિયાન સંતો અને મહંતોની ખાસ હાજરીમાં આખુ ગામ કારને સમાધિ આપવા માટે પહોંચ્યા હતા. સંજય પોલરાએ વર્ષ 2013-14માં કાર ખરીદી હતી. તેમજ ખેડૂત સંજય પોલરાનું માનવું છે કે આ કારને કારણે તેના જીવનમાં પ્રગતિ થઇ છે તે માટે તેને પોતાનું વાહન વેચવાની જગ્યાએ તેને સમાધિ આપવા માંગતો હતો.
પોતાની કારને લકી માનનારા ખેડૂત સૂરતમાં કંસ્ટ્રક્શનના બિઝનેસમાં જોડાયેલો છે. તેમજ કાર આવ્યા બાદ તેનો મોભો વધ્યો હતો. સમાજમાં સારૂ નામ થયું હતું. આ દરમિયાન ફૂલમાળાથી સજાવેલી કારને સમાધિ આપ્યા પહેલા અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કારને સમાધિ આપનારા ખાડામાં ઉતારવામાં આવી હતી અને પછી બુલડોઝરથી કારની ઉપર માટી નાખવામાં આવી હતી.
કારને કેમ આપી સન્માનજનક વિદાય
ખેડૂતનું માનવું છે કે આ કાર આવ્યા બાદ તેના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે, આ કારણે તેને વેચવાની જગ્યાએ ખેડૂત એક સમ્માનજનક વિદાય આપવા માંગતો હતો, તેમજ તેની આ ભાવનામાં ગામના અન્ય લોકોએ પણ સાથ આપ્યો હતો અને આખા ગામમાં ઢોલ-નગારા અને DJની વગાડી સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અનોખા આયોજનમાં વિશેષ પૂજા માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને અંતિમ સંસ્કારની જેમ વિધિથી કારને જમીનમાં સમાધિ આપવામાં આવી હતી. આ ઉપરાંત આ પ્રસંગે ખેડૂતના સંબંધી અને અન્ય લોકો અમદાવાદ,સુરત અને આસપાસના વિસ્તારમાંથી સામેલ થવા માટે પહોંચ્યા હતા. તેમજ અમરેલીના પાડરસિંગા ગામની ગુજરાત જ નહીં પણ દેશભરમાં ચર્ચા થઇ રહી છે.