• સાયબર ગઠીયાઓ બેફામ
  • 15 દિવસ સુધી દર બે કલાકે વિડીયો કોલ, દિવસમાં ત્રણ વાર ફોટો પાડીને મોકલવા દબાણ કરતા ડિજિટલ લૂંટારુ વિરુદ્ધ રાજકોટ સાયબર ક્રાઇમમાં ગુના

દિન પ્રતિદિન ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નિવૃત બેંક મેનેજરને તમારા વિરુદ્ધ મની લોન્ડરીંગનો કેસ દાખલ થયો છે અને તમને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા છે તેમ કહી દર બે કલાકે વિડીયો કોલ કરી તેમજ ત્રણવાર ફોટો મોકલવા દબાણ કરી પ્રૌઢને માનસિક યાતના આપી રૂ. 56 લાખ પડાવી લેવાયાનો કિસ્સો સામે આવ્યો છે. મામલામાં સાયબર ક્રાઇમ પોલીસે ડિજિટલ લૂંટારુ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દેશભરમાં ડિજિટલ એરેસ્ટ કરનારા ઓનલાઇન લૂંટારુઓ બેકાબૂ બન્યા છે. ત્યારે રાજકોટમાં રહેતા અને સુરતમાં બેંકમાં ફરજ બજાવતા નિવૃત્ત કર્મચારીને અજાણ્યા નંબરમાંથી હિન્દી ભાષી શખ્સોએ ફોન કરી તમારા બેંક ખાતામાં 2.5 કરોડ છે અને તમે મની લોન્ડરિંગનો ઉપયોગ કર્યો છે અને તમારું એરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે. નરેશ ગાયેલ નામના શખ્સે 247 લોકો સાથે છેતરપિંડી કરી હોય જે કેસમાં તમારી સંડોવણી ખુલ્લી છે. તેમ કહી 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી દર બે કલાકે ફોન કરી વોટ્સએપમાં ફોટા મોકલવાનું કહી સવાર, બપોર અને સાંજ સુધી બેસાડી રાખી તેની પાસેથી ઓનલાઇન 56 લાખ પડાવી લીધાની ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં ઢેબર રોડ નજીક હસનવાડીમાં રહેતા અને અગાઉ સુરતમાં પંજાબ બેંકમાં નોકરી કરતા અને હાલ નિવૃત્ત જીવન જીવતા મહેન્દ્રભાઇ અંદરજીભાઇ મહેતાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે ચાર અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.11-7ના રોજ મારી પત્ની સાથે હોસ્પિટલમાં હતા ત્યારે કોઇ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો. જે હિન્દીમાં વાત કરતા હોય અને તેને મને કહેલ કે, હું પોલીસ ઇન્સ્પેક્ટર બોલું છું અને તમારા વિરુદ્ધ મુંબઇ તિલકનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

વધુ માહિતી માટે અમારા વિનાયક સરનો મોબાઇલ નંબર પર કોલ કરી માહિતી લેવા જણાવ્યું હતું. બાદમાં આવેલા ફોનમાં કોલ લાગતો ન હોય. ત્યાર બાદ અન્ય નંબરમાંથી વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં તે પણ હિન્દીમાં વાત કરતો હોય અને તમારું આધારકાર્ડ પર કેનેરા બેંકમાં એકાઉન્ટ ખૂલેલ છે. જેમાં એકાઉન્ટ બેલેન્સ 2.5 કરોડ છે અને તમારું આ બેંક એકાઉન્ટ મોટા ફ્રોડમાં વપરાયેલ છે. તેમજ મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે. તમારું એરેસ્ટ વોરંટ કાઢવામાં આવેલ છે અને નરેશ ગોયેલ નામના વ્યક્તિએ 247 લોકો સાથે ફ્રોડ કરેલ છે. તેમાં તમે પણ સંડોવાયા છો તેમ કહ્યું હતું. ત્યારબાદ અજાણી વ્યક્તિ દર બે કલાકે વોટ્સએપ કોલ કરી રિપોર્ટ કરવાનું કહેતો હતો અને મારો સવાર, બપોર અને સાંજ ફોટા પાડી તેના વોટ્સએપમાં મોકલવાનું કહેતો જેથી હું તેને ફોટા પાડી મોકલતો હતો.ત્યારબાદ વધુ એક નંબરમાંથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને સેબીનો એન્ટિ મની લોન્ડરિંગ બાબતનો લેટર તથા ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ તેમજ આર.બી.આઇ. અને કેનેરા બેંકનું મારા નામવાળુ એટીએમ કાર્ડ તેમજ કેનેરા બેંકનું મારા નામવાળુ સ્ટેટમેન્ટ વગેરે મારા નામવાળા ડોક્યુમેન્ટ મને વોટ્સએપ મારફતે મોકલ્યા હતા.

દરમિયાન મારી માલિકીની તમામ મિલકત તથા મારા તમામ બેંક એકાઉન્ટમાં પડેલ નાણાં તેમજ મેં કરેલ મ્યચ્યુલ ફંડના રોકાણ બાબતેની માહિતી તથા સ્ટોક માર્કેટમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટ બાબતેની તમામ માહિતી મારી પાસે માગતા હતા જેથી તમામ માહિતી વૃદ્ધે આપી હરી. ત્યારબાદ વધુ એક નંબરમાંથી ફોન આવ્યો હતો અને તમારી મની લોન્ડરિંગમાં સંડોવણી છે કે નહીં જે બાબતે ક્રોસ વેરિફિકેશન માટે નાણાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું જેથી 56 લાખ તેને મોકલેલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં છ દિવસ બાદ જવાબ નહીં મળતા તેને ફોન કર્યા હતા, પરંતુ કોઇ કોન્ટેક થતો ન હોય જેથી તેના પૌત્રને વાત કરી હતી અને તેની સાથે ફ્રોડ થયાનું જણાવતા ઓનલાઇન ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકના જમાદાર દીપક પંડિતે ગુનો નોંધતા પીએસઆઇ જાડેજાએ તપાસ હાથ ધરી છે.

અગાઉ બીપીસીએલના નિવૃત કર્મચારીને રૂ. 1 કરોડનો ચૂનો ચોપડી દેવાયો’તો

રાજકોટ શહેરમાં ફક્ત બે માસમાં બે ડિજિટલ અરેસ્ટના કિસ્સા સામે આવ્યા છે. નિવૃત્ત બેંક મેનેજરને મની લોન્ડરિંગના કેસમાં 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂ.56 લાખની છેતરપિંડીની ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો હતો. અગાઉ બે માસ પહેલાં પણ રેસકોર્સ વિસ્તારમાં રહેતા અને બીપીસીએલના નિવૃત્ત કર્મચારી અશ્વિનભાઇ તલાટિયાને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાએ એક કરોડની છેતરપિંડી કરી હતી.

ચેતજો…પોલીસ ક્યારેય ડિજિટલ અરેસ્ટ કરતી નથી

હાલ સાયબર ગઠીયાઓ ડિજિટલ અરેસ્ટ કરી, ડરાવી-ધમકાવી યેનકેન પ્રકારે આર્થિક છેતરપિંડી આચરી લેતા હોય તેવા બનાવો છાસવારે સામે આવી રહ્યા છે ત્યારે લોકોએ આ બાબતે જાગૃત થવાની જરૂરિયાત છે. પોલીસ ક્યારેય ડિજિટલ અરેસ્ટ કરતી નથી અથવા તો વોટ્સઅપ મારફત અરેસ્ટ વોરંટ સહીતના કોઈ પણ કાગળો મોકલતી નથી. જેથી આવા ફોન આવતાની સાથે જ સાયબર હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.