- જય જલિયાણ કરો કલ્યાણ
વિરપુરમાં દિવાળી જેવો માહોલ, ઘેર-ઘેર રંગોળી દોરાય, દેશભરમાંથી ભાવિકો ઉમટયા: ગામે ગામે જલારામબાપાની શોભાયાત્રા, મહાપ્રસાદ અને મહાઆરતી સહિતના ભકિતમય આયોજનો
સૌરાષ્ટ્રના સંત શિરોમણી પરમ પૂજય જલારામ બાપાની 225મી જન્મજયંતિની આજે રાજયભરમાં ભકિતભાવ સાથે ઉજવણી થઈ રહી છે. રઘુવંશી સમાજ અને વિરપુરના આંગણે જાણે સાત દિવસ બાદ ફરી દિવાળી આવી હોય તેવો અલૌકિક માહોલ જોવા મળી રહ્યો છે. દેશ વિદેશમાં ભાવિકો જલારામ બાપાના દર્શન કરવા માટે વિરપુર ખાતે ઉમટયા છે. પદયાત્રીકોનો પણ ઘસારો જોવા મળી રહ્યો છે. ગામે ગામ ભવ્ય શોભાયાત્રા, મહાપ્રસાદ અને મહાઆરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.
‘દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ’ના સુત્રને વરેલા જલારામ બાપાના આંગણે વિરપુર કાતે આવતા લોકો ભાવિક કયારેય ભૂખ્યા જતા નથી બપાએ શરૂ કરેલ સદાવ્રતની આ સેવા આજે પણ યથાવત છે. વિશ્ર્વ પ્રસિધ્ધ તિર્થધામ વિરપુર ભોજન, ભકિત અને ભજનનું અનેરૂ ધામ બની ગયું છે. આજે વિરપૂરવાસીઓએ સાત દિવસ બાદ બીજી દિવાળીની ઉજવણી કરી હતી ઘર આંગણે રંગોળી બનાવી હતી. આસોપાલવના તોરણ બાંધ્યા હતા વિરપૂર સ્થિત જલારામ બાપાના મંદિરે આજે સવારે ગાદીપતિ રઘુરામબાપા સહિતના પરિવારજનોએ પૂ. જલારામ બાપાની પાદુકાનું પૂજન કર્યું હતુ.
સવારથી વિરપૂરમાં ભાવિકોનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે. હૈયે હૈયુ દળાય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. વિરપુરમાં જલારામ મંદિર દ્વારા ભાવિકોને અપાતા કઢી-ખીચડીના પ્રસાદમાં અનેરો સ્વાદ હોય છે. આજે માત્ર વિરપુર જ નહી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગામે ગામ જલારામ જયંતીની ભકિતસભર ઉજવણી થઈ રહી છે. ગામે ગામ મહાપ્રસાદ મહાઆરતી અને ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યો છે. વિરપૂરમાં 225 કિલોનો લાડુ પણ બનાવવામાં આવ્યો છે. જેનો પ્રસાદ ભાવિકોને અપાશે.રઘુવંશી સમાજમાં આજે અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ આજે અનેક સ્થળોએ જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. બપોરે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે ઠેર ઠેર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વત્ર સવારથી જય જલીયાણ કરો કલ્યાણના ગગનભેદી નાદ ગુંજી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે વિશ્ર્વમાં એકમાત્ર વિરપૂર સ્થિત જલારામબાપાના મંદિરે છેલ્લા 24 વર્ષેથી એક પણ પૈસો દાન સ્વરૂપે સ્વીકારવામાં આવતો નથી. ભાવિકોને બંને સમય ભોજનરૂપી મહાપ્રસાદ પીરસવામાં આવે છે. જલાના ધામમા આજે અલૌકીક અવસરની ઉજવણી થઈ રહી છે.
પૂજ્ય બાપાની 225 મી જન્મજયંતિ નિમિત્તે ગાગર જેવડા વિરપુરમાં સાગર સમાન માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, સ્થાનિકો દ્વારા પોતાના ઘર આંગણે પૂજ્ય બાપાની આકૃતિવાળી રંગોળી તેમજ આસોપાલવના તોરણ અને વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો વડે પોતાના ઘર,દુકાનો સજાવ્યા હતા.
અલગ અલગ મિત્ર મંડળ તેમજ સમાજો દ્વારા ઠેર ઠેર પાણી ના પરબ, સરબત, છાશ,નાસ્તાની સેવાઓ આપવામાં આવી હતી અને આવનારા યાત્રાળુઓને પૂરતી સુવિધા મળી રહે તે માટે 300 જેટલા સ્વંયસેવકો દ્વારા ખડેપગે સેવા આપવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થાની જાળવણી માટે 1 પી.આઈ. 2 પી.એસ.આઈ. તેમજ 280 જેટલા પોલીસ જવાનો ખેડેપગે રહ્યા હતા. નગરજનો દ્વારા ભવ્ય શોભયાત્રાનું આયોજન કરાયું હતું, આ શોભયાત્રા મીનળવાવ ચોક થી લઈને વિરપુરના વિવિધ મુખ્યમાર્ગો ફરી હતી સાથે સાથે ગ્રામજનો દ્વારા 225 કિલો કેકે તેમજ બુંદી ગાંઠીયાનું પ્રાસદરૂપે વિતરણ કરાયું હતું.સાથે સાથે દેશ વિદેશથી આવેલા યાત્રાળુઓ બાપાના દર્શનનો લાભ લઈને અભિભૂત થયા હતા.