બળવાખોર ન્યાયાધીશો સાથે મુખ્ય ન્યાયામુર્તિની મુલાકાત છતાં વિવાદ ઉભો ને ઉભો

વડી અદાલતના ચાર ન્યાયાધીશો અને મુખ્ય ન્યાયમુર્તિ વચ્ચેનો મતભેદ સપાટી પર આવ્યા બાદ હવે સુપ્રીમમાં અગત્યના કેસોનું લાઈવ ટેલીકાસ્ટ કરવા દબાણ વધ્યું છે. ત્રણ વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટમાં અગત્યના કેસોની સુનાવણીનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવે તે મામલે થયેલી પીટીશનને ફગાવી દેવાઈ હતી. પરંતુ હવે આ મામલે ફરીથી પીટીશન દાખલ કરવામાં આવી છે.

ગત વર્ષે એડવોકેટ મેથ્યુ નેડુમ્પરા પણ લાઈવ ટેલીકાસ્ટ માટે અરજી કરી હતી. ત્યારબાદ આ મુદ્દે ચર્ચા વધી હતી. હવે ગઈકાલે પણ લાઈવ ટેલીકાસ્ટ મુદ્દે પીટીશન દાખલ કરવામાં આવી છે.

વડી અદાલત આધારની કાયદેસરતા તેમજ એલજીબીટી સહિતના ગંભીર મુદ્દે સુનાવણી કરી રહી છે ત્યારે અગત્યના કેસોનું લોકો જોઈ શકે તેમ લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવે તે મુદ્દો ફરીથી ચગ્યો છે.

એક તરફ ન્યાયતંત્રની અંદરનું ધમાસાણ વરવું રૂપ ધારણ કરે તેવી શકયતા છે. ગઈકાલે મુખ્ય ન્યાયમુર્તિ ચારેય જજોને મળ્યા હતા. પરંતુ સમાધાન થયું નહોતું.

મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રા તેમજ ન્યાયમુર્તિ જે.ચેલામેશ્ર્વર, રંજન ગોગાઈ, મદન લોકુર અને કુરીયન જોસેફ સહિતના ન્યાયમૂર્તિઓ વચ્ચે ખટરાગ સર્જાયો છે. કેસમાં પ્રાથમિકતા બાબતે થયેલા મતભેદથી સમગ્ર દેશમાં ન્યાયતંત્ર ઉપર સવાલો ઉઠી રહ્યાં છે.

ન્યાયમૂર્તિઓ વચ્ચે સમાધાન માટે પ્રયાસો થયા છે. જે નિષ્ફળ નિવડે તેવી શકયતા છે. ત્યારે વડી અદાલતમાં ચાલનારા અગત્યના કેસોની સુનાવણીને લાઈવ બતાવવામાં આવે તે પ્રકારની પીટીશનથી ન્યાયતંત્ર ઉપર વધુ ચર્ચા થાય તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.