ઉમરગામના પાલી કરમબેલીમાં પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પાલી કરમબેલી ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલા પ્રગતિશીલ ખેડૂત ભાઈ- બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન ઉમરગામ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર તુષાર ગામિત દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
સાથે સાથે પશુપાલન અધિકારી ડો. નિર્મલ પટેલ દ્વારા ખેતી સાથે પશુપાલન કેમ જરૂરી છે તેના વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે પશુપાલનમાં થતા રોગ જીવાત અને તેની પોષણ વ્યવસ્થા અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ તાલીમમાં સરોન્ડા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ પટેલ હાજર રહી પ્રાકૃતિક ખેતી વિશે પોતાના અનુભવો જણાવ્યા હતા. ખેડૂત ઈશ્વરભાઈ પટેલે પણ પ્રાકૃતિક ખેતીથી પોતાના ખેતરમાં થયેલા ફાયદા જણાવી તાલીમાર્થી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યુ હતું.